Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અડાલજના ઉત્સવથી દેશને દિશા દર્શન : વિજયભાઇ રૂપાણી

'જોયા જેવી દુનિયા' અને થીમ શો નિહાળી પ્રભાવિત * અક્રમ વિજ્ઞાન જીવનને કલેશ રહીત બનાવે છે, ભારત દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર બની રહેશે - પૂ. દિપકભાઇ * પ્રેઝન્ટેશન સાથેના અદ્દભુત વીડીયો શો નિહાળી લોકો અભિભુત

રાજકોટ તા. ૧૯ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા.૧૮ નવેમ્બરના શનિવારે સવારે ૧૦ વાગ્યે 'જોવા જેવી દુનિયા'ની મુલાકાત લીધી હતી.

એક ૨૦ મિનિટનો શો કર્તા કોણ? જેમાં ૪ એકસપીરિયન્સના માધ્યમથી આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથીની યથાર્થ સમજણ દ્વારા ઉદ્વેગના પ્રસંગોમાં મનની શાંતિ પ્રાપ્ત થાય છે. બીજો ૧૫ મિનિટનો ટુર ટુ મહાવિદેહ શો, જેમાં ૩ પ્રોજેકશન મેપિંગના માધ્યમ દ્વારા ધર્મના મતમતાંતર ટાળી આત્મધર્મને ઉજાગર કરવાના હેતુથી વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની સાચી ઓળખ મળે છે. બંને શો માણ્યા પછી મુખ્યમંત્રીશ્રીએ પ્રેઝન્ટેશનના નવીન માધ્યમો વડે લોકોને ગહન સંદેશ પહોંચાડવાના પ્રયાસને વખાણ્યો હતો, તેમજ જોવા જેવી દુનિયા મહોત્સવની વ્યવસ્થા, શિસ્તબદ્ઘતા અને સેવાર્થીઓની સમર્પિતતાની પણ પ્રશંસા કરી હતી.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સત્સંગ હોલમાં પધારી પૂ. દાદા ભગવાન અને પૂ. નીરુમાની છબીને પુષ્પમાળા અર્પણ કર્યા હતા. તેઓશ્રીએ પ્રત્યક્ષ જ્ઞાની પૂજય દીપકભાઈને પવિત્રા અર્પણ કરી આશીર્વાદ લીધા  હતા અને તેમની સાથે જ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી પ્રશ્નોત્ત્।રી સત્સંગ સાંભળ્યો હતો.

ત્યારબાદ લગભગ ૩૦,૦૦૦ થી પણ વધુ જનમેદનીને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી નિમિતે ઈશ્વરપ્રાપ્તિ એટલેકે જન્મ-મરણના ફેરામાંથી આત્માની મુકિત માટે, ધર્મ અને સાયન્સ થકી સત્ય તરફ જવા પ્રેરણા આપતા અક્રમ વિજ્ઞાન માટે,  પૂજયશ્રી દ્વારા આ પ્રવૃતિને મળતા વેગ માટે અહોભાવ વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આ ભવ્ય આયોજન થકી, ૨૩ જેટલી થીમ સાથે લોકો સરળતાથી ધર્મની ગહનતા, તેમજ આત્માથી પરમાત્મા, જીવથી શિવ, વ્યકિતથી સમષ્ટિની સમજ પ્રાપ્ત કરે છે. આ ૧૦ દિવસનો ઉત્સવ નવા વર્ષે દેશને દિશાદર્શન આપશે, જેમાં આધ્યાત્મ જે ભારતની તાકાત છે તે બળ પૂરું પાડશે, અને આવનારું વર્ષ ભારતના ઋષિમુનિઓ, સાધુ-સંતો અને જ્ઞાનીઓએ આપેલી વિરાસતને ઉજાગર કરનારું બનશે તેવા ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ પૂજયશ્રીને વંદન કરી, જનતાનો આભાર માન્યો હતો.

પૂજયશ્રી દીપકભાઈએ પણ વિજયભાઇ રૂપાણી માટે આશીર્વચનો પાઠવ્યા હતા. તેમણે ભારત વર્લ્ડનું આધ્યાત્મિક કેન્દ્ર બનશેએવા દાદાશ્રીના કથનને યાદ કરીને કહ્યું હતું કે હિન્દુસ્તાન વર્લ્ડનું આધ્યાત્મિક કેન્દ્ર બનીને રહેશે જ !

તેઓશ્રીએ ઉમેર્યું હતું કે અક્રમ વિજ્ઞાન જે જીવનને કલેશ રહિત બનાવનારું છે, તે ભારતના રાજયોના જ નહી, પણ દેશ વિદેશના લાખો લોકો પામી રહ્યાં છે અને તેવા વિદેશના ૪૦૦૦ થી વધુ એન.આર.આઈ અને ફોરેનર્સ આ ઉત્સવમાં જોડાયા પણ છે. અંતે, પૂજયશ્રીના હસ્તે શ્રી સીમંધર સ્વામીની સુવર્ણ છબીરૂપી પ્રસાદી દ્વારા શ્રી રૂપાણીજીનું બહુમાન થયુ હતું.

આજના સત્સંગમાં 'નીતિ અને પ્રામાણિકતા' ઉપર થયેલ પ્રશ્નોતરીના માધયમથી સત્સંગના અંશો જોઇએ તો નીતિ પ્રામાણિકતા કરીને ધર્મ પમાશે ને ધર્મથી આગળ આત્મા પમાશે. દાનત બગાડવાથી આવતો ભવ બગડે છે. મોરાલિટી એટલે હક્કનું અને સહજ પ્રાપ્ત થાય એટલું જ ભોગવવું. પોતાની પાસે હોય તે બીજાને આપે એ દૈવી ગુણ કહેવાય. ઘર માટે વાપર્યું એ મોહના ખાતે જાય. પારકા માટે વાપર્યું એ ધર્મના ખાતે.

સત્સંગ અને ધર્મ માટે ટાઈમ કાઢો અને મા-બાપ દુઃખી ના થાય તેવી રીતે જીવો તો લક્ષ્મી આપો આપ આવે. લક્ષ્મી ધર્મનું ફળ છે. મુશ્કેલી આવે પણ નીતિ-પ્રમાણિકતામાં સિન્સિયર રહે છે, ત્યારે મહીંથી આત્મસુખ પ્રગટ થાય.  વધારે પૈસા સુખ આપે એવું નહીં, પણ સંતોષ સુખ આપે. અસંતોષ ની ભૂખ ઘણા પૈસા પામ્યા પછી પણ દુઃખમાં જ રાખે.

કોઈને પૈસા આપ્યા તો કાળી ચીંથરીમાં નાખીને દરિયામાં નાખ્યાં એમ સમજવું. પાછા નહી આવે એવી તૈયારી રાખવાની. જેટલા પ્રેમથી આપ્યા એટલા જ પ્રેમથી માંગવાના. કોઈની સાથે કકળાટ નહીં કરવાનો, કોઈને દુઃખ નહીં આપવાનું અને દોષ નહીં જોવાના. પૈસા આપ્યા તેના બદલામાં સામો સૂક્ષ્મમાં અહંકાર ગીરવે મૂકીને જાય છે.

વધુ માહિતી માટે અંકુરભાઇ ૯૯૨૪૩૪૩૪૩૫ અથવા અમિતભાઈ ૭૯૭૭૫૧૪૪૪૯ / ૯૮૨૧૧૨૩૩૬૮ નો સંપર્ક કરી શકાય છે.

(3:52 pm IST)