Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રામપુરા મહાદેવના મંદિરના મહંતની ક્રૂર હત્યાથી ચકચાર

દસ લોકોએ મહંત પર જીવલેણ હુમલો કર્યો : ખેતરની જમીનમાં દબાણ ઉભુ કર્યાની અદાવતમાં હુમલો કરાયાની શંકા : પોલીસની રાયોટીંગનો ગુનો નોંધીને તપાસ

અમદાવાદ,તા. ૧૮ : રાજપીપળા ખાતે રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંતની કરપીણ હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યક્તિઓએ ગેરકાયદે મંડળી રચી મહંત પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહંતને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે સનસનાટીભરી આ હત્યાના કેસમાં દસ જેટલા આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર આજે વાયુવેગે પ્રસરતાં સાધુ-સંત સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યકિતઓએ બેટ અને લાકડી લઈ આવ્યા હતા અને ભારે આંતક મચાવી મહંત પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો. બેટ અને લાકડીથી હુમલો થતા મહંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ૧૦૮ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાછળથી સારવાર દરમિયાન મહંતનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવાની સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, તો બીજીબાજુ, સંતસમાજમાં આ હત્યાને લઇ રોષની લાગણી ફેલાઇ હતી. ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ સહિત અન્ય ૧૦ ઈસમો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યોનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:54 pm IST)