Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમદાવાદ આંતર રાષ્ટ્રીય હવાઈ મથકને 'સરદાર પટેલ' નું નામકરણ શંકરસિંહજીની સરકારમાં થયું હતું :તસ્વીર જાહેર

ખુદ શંકરસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઈને લગાડેલી તકતી ચકાસી

અમદાવાદ :ગત ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનું રાષ્ટ્રાપર્ણ કર્યા બાદ ભાજપ-કોંગ્રેસ અને અન્ય લોકો વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણને લઈને સોશિયલ મીડિયામાં દાવાઓ સામે આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે આ નામકરણ તેમની સરકારમાં થયું હતું.

 

   અલગ અલગ તર્ક વિતર્કો વચ્ચે આખરે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણની તકતીના લોકાપર્ણની તસ્વીર બહાર આવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો દાવો સાચો પડ્યો છે

   આ દાવાને સાબિત કરતાં પુરાવાઓ મેળવવા ખુદ શંકરસિંહ વાઘેલા સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગયા હતા અને એ જગ્યાએ જ મુલાકાત લીધી હતી જ્યાં આ તકતી જે તે સમયે લગાવામાં આવી હતી. આ તસવીર ૭મી ડિસેમ્બર, ૧૯૯૬ની છે જેમાં તે સમયના ભારતના પ્રધાનમંત્રી એચ. ડી. દેવગૌડા, ગુજરાતના રાજ્યપાલ ક્રિશ્નાપાલ સિંહ અને મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સરદાર પટેલ ઇન્ટરનેશન એરપોર્ટના નામકરણની તકતીનું લોકાપર્ણ કરતાં નજરે પડે છે.
શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે કેન્દ્રમાં જ્યારે દેવગૌડાની સરકાર હતી અને ગુજરાતમાં તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એરપોર્ટનું નામકરણ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું હતું.

(9:46 pm IST)