Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ગોવિંદ પરમારની નારાજગી દૂર

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય નારાજ હતા : અમૂલની ચૂંટણીમાં કરાયેલી ઉપેક્ષાથી નારાજ ધારાસભ્ય પરમારને મનાવવામાં ભાજપ મોવડી મંડળ સફળ રહ્યું

ગાંધીનગર,તા.૧૯ : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે રવિવારે પાર્ટીથી નારાજ છે એટલે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો પરંતુ આજે સોમવારે પાર્ટીએ તેમને મનાવી લીધા છે. સીએમ વિજય રૂપાણી સાથેની બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મને કોઇનાથી તકલીફ નથી. નોંધનીય છે કે, અમૂલની ચૂંટણીમાં અને ડેરીમાં સરકારના પ્રતિનિધિ નિમવામાં તેમની અવગણના કરાયાના આક્ષેપ કરીને રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે સીએમ વિજય રૂપાણી સાથેની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, મારે મંત્રી મંડળ કે સીએમ સાહેબ કે પાટીલ સાહેબ સાથે કોઇ તકલીફ હતી જ નહીં. સ્થાનિક પ્રશ્નો હતા તે પકંજભાઇ દેસાઇને જણાવીને ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે, મારી વાત તેમને સાંબળી અને તેનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે.

            આ બાદ જ્યારે ગોવિંદ પરમારને પૂછવામાં આવ્યું કે, તમે ગઇકાલે કહ્યું હતું કે જાતીવાદ ચલાવવામાં આવે છે તો પક્ષમાં કેવો જાતિવાદ ચલાવવામાં આવે છે. ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે, એ બધી વાત મારે થઇ ગઇ છે. નોંધનીય છે કે, અમૂલ ડેરી સંઘની ચૂંટણીમાં ગોવિંદ પરમાર ત્રણ વોટથી હારી ગયા હતા. જે માટે તેમને આણંદના સાંસદ મિતેષ પટેલ અને અન્ય સ્થાનિક ભાજપના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે. તેઓએ પોતાના વિરુદ્ધ કામ કરીને પોતાને હરાવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. તેમજ ડેરીમાં સરકારના ત્રણ પ્રતિનિધિ નિમવામાં પણ સંકલન ન કરી અવગણના કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિતનાને રજૂઆત કરી હતી અને સંગઠન દ્વારા તેની સતત અવગણના થતા રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. આ પહેલા પણ ગોવિંદ પરમાર રાજ્યસભા ચૂંટણી વખતે પણ પાર્ટી વિરુદ્ધ જવાના હતા. માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીની સાથે તેઓ પણ ક્રોસ વોટિંગ કરીને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મત નાંખવાના હતા. પરંતુ ભાજપના કેટલાક નેતાઓને આની જાણ થતા બન્ને ધારાસભ્યોને મનાવી લેવાયા હતા.

(7:18 pm IST)