Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરતના બમરોલી વિસ્તારમા સતત બે મહિનાથી પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

સુરત: શહેરના બમરોલી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. અનેકવાર અરજીઓ કરી હોવા છતાં પણ અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એટલું જ નહિ સ્થાનિકોએ પાણીના ટેન્કર દ્વારા ગુજારો ચલાવવા માટેની નોબત આવી પડી છે. જોકે તંત્ર દ્વારા ટેન્કરો પણ જરૂરિયાત પ્રમાણે મોકલવામાં આવતા નથી.

બમરોલી વિસ્તારમાં સ્કૂલ ફળિયામાં બે થી અઢી મહિનાથી પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે. વળી ગામમાં કુવા કે તળાવ પણ ન હોવાથી પાણીની અગવડને કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. નાના બાળકો અને વૃદ્ધો પણ અગવડનો સામનો કરી રહ્યા છે ઉધનાઝોનમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. પાણીની લાઈન બ્લોક હોવાનું કહી 10 દિવસ પહેલા ખોદકામ કરવામાં આવ્યું છે જે હજીપણ જેમનું તેમ જ છે. તેને માટે આગળ કોઈ કામકાજ હાથ ધરવામાં આવ્યું નથી. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આજદિન સુદી કોઈ કોર્પોરેટરે મુલાકાત લીધી નથી. ચૂંટણી દરમિયાન પ્રચાર કરી વોટ માંગી ખોટા ખોટા વાયદા કરવા કોર્પોરેટરો આવે છે અને પછી તેઓ પોતાના વાયદા ભૂલી જાય છે.

(5:31 pm IST)