Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

નવરાત્રીમાં તેજી : હાર-ચુંદડી સહિતની પુજા સામગ્રીમાં ૩૦ ટકાનો ભાવ વધારો

સોસાયટીમાં પૂજા માટે પોલીસની પરવાનગી જરૂરી ન હોવાનું જાહેર થતા બજારમાં ભીડ

અમદાવાદ, તા. ૧૯ :  શકિતની આરાધનાના પાવન પર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે માતાજીના વસ્ત્રો, હાર, ચૂંદડી, આભૂષણ, ગરબો, ધૂપ, સહિતની વસ્તુઓ લેવા બજારમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સરકારે તાજેતરમાં સોસાયટીઓ કે ફલેટમાં આ વર્ષે માતાજીની મૂર્તિ સ્થાપન અને પૂજા-અર્ચના માટે પોલીસની પરવાનગી લેવાની જરૂર નહી હોવાનું જાહેર થતા જ ભકતોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી છે. જેનો પુજા સામગ્રીની દુકાનોવાળાએ પણ ભરપુર ફાયદો ઉઠાવ્યો છે.

સામાન્ય હાર જે અત્યાર સુધી રૂ. ર૦ થી શરૂ કરીને સાઇઝ મુજબ રૂ. ૩૦૦ સુધી મળતા હતા તેમાં ૩૦ ટકા જેટલો ભાવવધારો કરાયો છે. રૂ. ૬૦કે ૭૦ માં મળતા હારની કિંમત રૂ. ૧૦૦ થઇ ગઇ છે. આ ઉપરાંત દીવેટ, ધૂપ, ગુગળ, હવન સામગ્રી, ધૂપદાની મુગટ, હાર, બાજઠ, મોલી, અત્તર, કળશ, સ્થાપન, આસન નાડાછડી, કપુર અને ચૂંદડીની કિંમતમાં પણ વધારો નોંધાયો છે.

ઘરમાં જ બેસીને ગરબા ગાઇને માતાજીની નવ દિવસ સુધી આરાધના કરાવાનો અવસર મળ્યા બાદ હવે મૂર્તિ સ્થાપનની છુટ મળતાં જ શહેરના મુખ્ય બજાર સહિતના જુદા જુદા વિસ્તારનાં માર્કેટમાં ભગવાનના વસ્ત્રો, હાર સહિતની સુશોભનની વસ્તુઓ દેખાવા લાગી છે. નવ દિવસ સુધી આદ્યશકિતની આરાધના કરવા લોકો આતુર હોવાથી  મોં માગ્યા દામ ચુકવી રહ્યા છે. જે ચૂંદડીની કિંમત રૂ. ૧પ૦ થી રૂ. ૩૦૦ આસપાસ હતી. તેના હાલમાં રૂ. ૪૦૦ ભાવ બોલાઇ રહ્યો છે.

(3:53 pm IST)