Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કલાર્કની ભરતીમાં કૌભાંડઃ બોર્ડના કર્મચારી દ્વારા થયેલ RTIમાં ખુલાસો

ગત ડિસેમ્બર મહિનામાં સિનિયર-જુનિયર કલાર્કની પરીક્ષા યોજાયેલઃયુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે ઉપર આક્ષેપ

અમદાવાદ, તા.૧૯: ગત ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવેલી સિનિયર-જુનિયર કલાર્કની પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યોનો આરટીઆઇમાં ખુલાસો થયો છે. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે દ્વારા સિનિયર જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેનો ખુલાસો ગ્રંથ નિર્માણ બોર્ડના કર્મચારી દ્વારા જ કરાયેલી RTIમાં થયો છે. મોબાઈલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર જુનિયર કલાર્ક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ પદે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન દવે કાર્યરત છે. તેમને બોર્ડમાં સિનિયર અને જુનિયર કલાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજુર કરાવી ૯ મહિના પહેલા મોબાઈલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. પોતાના સગા ભત્રીજાની કંપનીને ટેન્ડર પ્રક્રિયા વગર આ પરીક્ષાનો કોન્ટ્રાકટ આપ્યો હતો.

આ પરીક્ષા યોજવાનો ઓર્ડર સ્કૂલ ઈન ડીઝાઇન પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. આરટીઆઇમાં કંપનીને કેટલો ખર્ચ ચૂકવ્યો એની માહિતી ન આપી. પરીક્ષામાં કુલ ૨૨૦૦ અરજી આવી હતી,એ પૈકી ૧૬૦૦ ઉમેદવારે પરીક્ષા આપી હતી.૧૩૦ ઉમેદવાર પાસ થયા હતા. તેમછતાં ૫૦ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતા.

આ ભરતી કૌભાંડમાં કૌટુંબિક સગા મિલન દિપક પંડ્યાની ભરતી કરાઇ હતી તો બીજી તરફ છ વર્ષથી કરાર આધારીત નોકરી કરતા ચેતન ગોરીયાને સિલેકટ કરવામાં આવ્યો હતો. બંને જાન્યુઆરીથી નોકરીમાં કાર્યરત છે. આ ભરતી મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને પણ ફરિયાદ કરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે ૫ જેટલી આરટીઆઇ કરવામાં આવી છે, જેમાં એક જ વ્યકિતએ એકથી વધુ આરટીઆઇ કરી જવાબ માંગ્યો છે. જોકે આ મામલે હાલ શિક્ષણ વિભાગે સમિતિની રચના કરી છે. આ મામલે હાલ શિક્ષણ વિભાગની તપાસ ચાલુ છે.

આ અંગે ગ્રંથ નિર્માણ બોર્ડના પ્રકાશન અધિકારી આનંદ ભટ્ટે જણાવ્યું હતું કે યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા બોર્ડના બંધારણની મર્યાદામાં રહીને રાજય સરકારની અનુમતિ બાદ હાથ ધરવામાં આવી છે જે અંગે જાહેરાત પણ આપવામાં આવી હતી અને તેનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું.

ઉમેદવારોની પસંદગી બાદ ૫ આરટીઆઇ મળી હતી, જેના જવાબ આપવામાં આવ્યા છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં કોઇ તથ્ય નથી. સપ્ટેમ્બર મહિનામાં આ અંગે રાજય સરકારની તપાસ માટે સમિતિની રચના કરાઈ હતી અને સમિતિએ મુલાકાત લીધી છે. જે પુરાવા માગ્યા એ અમે આપ્યા છે. બોર્ડના બંધારણ મુજબ જ તમામ કાર્યવાહી કરી છે.

(2:50 pm IST)