Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના રાવપુરામાં 172 વર્ષ જૂની ઐતિહાસિક તાંબેકરવાડાની ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી

ASI અને પાલિકા વચ્ચે કામગીરી કોણ કરે તેની આંતરિક ખેંચતાણમાં એક ઐતિહાસિક ધરોહરને ગુમાવવી પડે તેવું જોખમ

વડોદરા રાવપુરા વિસ્તારમાં આવેલી 172 વર્ષ જૂની ઐતિહાસિક તાંબેકરવાડાની ઇમારતનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. જેને પગલે હવે આ ઇમારત સાથે જોડાયેલી મુખ્ય ઇમારત પર પણ ગમે ત્યારે તૂટી પડે તેવું જોખમ ઊભું થયું છે.

  ASI અને પાલિકાની પહેલા કામગીરી કોણ કરે તેની આંતરિક ખેંચતાણમાં વડોદરાએ એક ઐતિહાસિક ધરોહરને ગુમાવવી પડે તેવું જોખમ ઝળુંબી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ બિલ્ડિંગ સાથે જોડાયેલા ભાગોમાં તિરાડો પડવાની શરૂ થઇ જતાં ASI એ 13 મી જાન્યુઆરીએ પાલિકાને આ સ્થિતિની જાણ કરતો પત્ર લખીને યોગ્ય પગલાં લેવાની માંગણી કરી હતી

  . પરંતુ હેરિટેજની મોટી મોટી માત્ર વાતો કરતી પાલિકા અને તેના હેરિટેજ સેલને આ ગંભીર બાબતની ગંભીરતા ન સમજાતા કોઇ કામગીરી કરવામાં આવી નહીં. એટલું જ નહીં એક વાર કોઈ ઇન્સ્પેક્શન માટે પણ સુદ્ધા ફરક્યું નહીં.

   છેવટે 60 ફૂટ લાંબો અને 20 ફૂટ પહોળો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બાબતની જાણ પણ પાલિકાને કરવામાં આવી હતી પણ પાલિકાનો કોઇ અધિકારી કે સ્ટાફ અહીં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. આ અંગે ASIના અધિકારી વતનમાં રજા પર હોવાથી તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. પાલિકાના નિર્ભયતા શાખાના અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું કે, આ તૂટી પડેલા ભાગને પાલિકા હવે પોતાના ખર્ચ અને જોખમે ઉતારી લેશે. જેની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરાશે

(12:07 pm IST)