Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મગફળીના 'પાથરા' પલળી ગયાઃ કપાસ 'આડો' પડી ગયો

નોરતામાં વરસાદથી ખેડૂતોને નુકશાનઃ 'પાલો' બગડયોઃ શિયાળુ વાવણીમાં મોડુ થવાની શકયતા

રાજકોટ તા. ૧૯ :.. ગુજરાતમાં છેલ્લા બે - ત્રણ દિવસથી અણધારી અને અનિચ્છનીય મેઘસવારી આવી પહોંચતા ખેતીના નુકશાન થઇ રહ્યું છે. ચોમાસાનો સમય ગાળો સપ્ટેમ્બર અંતમાં પુરો થઇ ગયા પછી ઓકટોબર મધ્યે વરસાદ પડતાા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. નોરતામાં જયાં વરસાદ પડયો છે ત્યાં ખેત ઉપજનને નુકશાન થયું છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાક તરીકે મુખ્યત્વે મગફળી અને કપાસ છે. બન્નેને નુકશાન થયું છે.

ખેડૂત વર્તુળોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ છે. મગફળીની મોસમ પુરી થઇ હોવાથી મોટાભાગના ખેડૂતોએ સુકવવ માટે ખેતરોમાં પાથરા (ઢગલા) કરેલ. તેની માથે વરસાદ પડવાથી મગફળી પલળી ગઇ છે. પલળવાથી મગફળી બગડી રહી છે. અથવા કાળી પડી જતા તો પણ કિંમત ઘટી જાય છે.

એ જ રીતે ખેતરમાં રહેલા કપાસના ફુલ ખરવા લાગ્યા છે. જયાં વધુ પવન સાથે વરસાદ હતો ત્યાં કપાસ પડી ગયો છે.

ઉગેલી મગફળી સાથે રહેલો પાલો (ચારો) પણ બગડી ગયો છે. ખેડૂતો માટે માઠી દશા થઇ છે. હજુ તો અગાઉના નુકશાનનું વળતર મળ્યુ નથી ત્યાં ફરી સરકાર પાસે વળતર માંગવાની વેળા આવી છે.

મગફળી  ખેતરેથી ઉપાડીને વેચી નાખેલી તેવા ખેડૂતો નસીબદાર ગણાય છે. કમોસમી વરસાદ સેંકડો ખેડૂતો અને સરકાર માટે ચિંતા ઉગાડી ગયો છે.

(10:56 am IST)