Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

૨૬મીથી યુનિવર્સિટીમાં રજાઓનો માહોલ રહેશે

મુખ્ય કાર્યલયો-ભવનોમાં રજા

અમદાવાદ, તા.૧૯ : દિવાળીના તહેવારોની હવે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય અને ભવનોમાં ૨૬મી ઓક્ટોબરથી દિવાળીની રજાઓનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ ૩૦ ઓકટોબર અને એક નવેમ્બર, બીજી નવેમ્બરની ખાસ રજા જાહેર કરતા યુનિવર્સિટી પરિસર ચાર નવેમ્બરને સોમવારે પુનઃ ધમધમતુ થશે. યુનિવર્સિટીમાં નવ દિવસની દિવાળી ઉત્સવની રજાઓ રહેશે. ગુજરાત યુનિવર્સિટીના તમામ ભવનો અને મુખ્ય કાર્યાલયમાં ૨૩ ઓક્ટોબરના રોજ સઘન સફાઈ કાર્યક્રમ કર્મચારીઓ,અધ્યાપકો દ્વારા આયોજિત કરાશે. કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસાર, કાર્યકારી રજિસ્ટ્રાર ડૉ. પિયુષ પટેલ સહિતના અધિકારીઓ આ દિવસે સફાઈ કાર્ય હાથ ધરશે. યુનિવર્સિટી પરિક્ષાનો પ્રથમ તબક્કો ૨૨ ઓક્ટોબરના રોજ પુરો થશે. દિવાળી બાદ બે તબક્કામાં પરિક્ષાનું આયોજન હાથ ધરાશે. યુનિવર્સિટીમાં રજાઓ જાહેર થયા બાદ યુનિવર્સિટીમાં સંકુલ વિસ્તારમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિત રહેશે નહીં. રજાઓનો ગાળો પૂર્ણ થયા બાદ ચોથી નવેમ્બર બાદ ફરીથી ઉત્સાહનો માહોલ રહેશે.

(9:44 pm IST)