Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિવાળી બાદ ૩ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી વકી

દિવાળી પછી કોંગ્રેસમાં હોળી થવાના એંધાણ : મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂરો કરી ગુજરાત પાછા ફરે ત્યારબાદ આ મોરચે ગતિવિધિઓ તેજ બનશે

અમદાવાદ, તા.૧૯ : ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટેની પેટાચૂંટણી થઈ ગયા બાદ દિવાળીના અરસામાં કોગ્રેસમાં હોળી થાય તેવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ આદરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.ગઈકાલે જ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહેલને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોડી રાત્ર મળ્યા હોવાની વાત બહાર આવી રહી છે. રાજેશ ગોહેલની સાથે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ મુખ્યમંત્રીને મળવા ગયા હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ તેમણે આ વાતને રદિયો આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ગઈકાલે મોડી રાત્રે આ મીટીંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ કુંવરજી બાવળીયાનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રના કોંગ્રેસી નેતા લલિત વસોયા (ધોરાજી) લલિત કગથરા (ટંકારા), પાટણના કિરીટ પટેલ અને સાવરકુંડલાના પ્રતાપ દૂધાતના નામ પણ ચર્ચાઇ રહ્યા છે.

                  ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના માધ્યમથી આ બધાં પાસા ફેકવામાં આવી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીને ગુજરાત પાછા ફરે ત્યારબાદ આ મોરચે ગતિવિધિઓ વધવાની ધારણા છે. આમ દિવાળી પછી કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જવાની ભાજપ તૈયારી કરી રહ્યુ હોવાનું જાણકારોનું કહેવું છે. પાટણના કિરીટ પટેલને મનાવી લેવાની જવાબદારી ઊંઝાના ડો.આશા પટેલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણી અને દિવાળી બાદ ભાજપ દ્વારા કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો મારતો માસ્ટરસ્ટ્રોક મરાય તેવી પૂરી શકયતા છે.

(9:40 pm IST)