Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

થરાદ- સાંચોર ચારરસ્તા પરથી ટ્રકમાંથી કતલખાને લઇ જવાતાં ૭૨ પાડાં પોલીસે ઝડપ્યા : ચાલક ફરાર

ગુંગળામણના કારણે નવ પાડાઓના મૃત્યું પણ નીપજેલાં

થરાદના પી.આઈ જે.બી. આચાર્ય તથા કર્મચારીઓ અશોકભાઈ સજાભાઈ અને હસમુખભાઈ જોધાભાઈ સહિત  થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ વખતે ટાટા ટ્રક નંબર RJ18GA 6843માં ગેરકાયદેસર રીતે નાના-મોટા પાડા ભરીને પીલુડાથી થરાદથી ડીસા તરફ કતલખાને જનાર હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે થરાદ-સાંચોર ચારરસ્તા પર ટ્રકની વૉચ ગોઠવી નાકાબંધી કરી હતી. આ વખતે રાત્રિના સુમારે ઉપરોક્ત નંબરની ટ્રક આવતાં પોલીસની નાકાબંધી જોઈ તેનો ચાલક ટ્રક મુકીને ભાગ્યો હતો. જોકે પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ તે અંધારાનો લાભ લઇને ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.

  પોલીસે ટ્રકમાં જોતાં છ મહિનાથી ૨ વર્ષ સુધીની ઉંમરના 72 નંગ પાડા પાડીને ખીચોખીચ ભરેલા હતા. આ તમામને ટુંકા દોરડાથી ગળા અને પગથી એકબીજાની સાથે ક્રુરતાપુર્વક બાંધેલા હોઇ તમામ અબોલ પશુઓ દુઃખ અને દર્દની સ્થિતિમાં હતા. જે પૈકી ગુંગળામણના કારણે નવ પાડાઓના મૃત્યું પણ નીપજેલાં હતાં. ઉપરોક્ત ટ્રકમાં ઘાસચારો પાણી કે પ્રાથમિક ઉપચારની કોઈ જરૂરી સુવિધા ન હોવાના કારણે દુઃખદ પરિસ્થિતિમાં અબોલ જીવોને કતલખાને લઈ જવાતાં હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે રૂપિયા 72 હજારની કિંમતના પાડા તથા પાંચ લાખની ટ્રક અને ટ્રકમાંથી મળેલ ત્રણ હજારની કિંમતનો એક મોબાઈલ સહિત કુલ ૫,૭૫,૦૦૦નો મુદ્દામાલ કબજે લઇ નાસી છુટેલા ટ્રકના ચાલક સામે પશુ પ્રત્યે ઘાતકીવર્તન અટકાવવાના કાયદાની કલમ ૧૧, ડી,ઇ,એફ,કે તથા મુંબઇ સંરક્ષણ અધિનીયમની કલમ ૫,૮ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પશુઓને જાળવણી અર્થે ડીસા રાજપુર પાંજરાપોળમાં મુકવામાં આવ્યાં હતાં

(9:38 pm IST)