Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

છ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચારનો અંત : વોટરો ઉત્સુક

૨૧મી ઓકટોબરે છ બેઠકોની રસાકસીભરી ચૂંટણી : પ્રચારનો અંત આવ્યા બાદ ઉમેદવારો ડોર ટુ ડોર, વન ટુ વન મળીને મતદારોને તરફેણમાં કરવા માટે સક્રિય થયા

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો માટે પેટાચૂંટણીની તૈયાર પૂર્ણ થઈ ચુકી છે. પેટા ચૂંટણી માટે આજે પ્રચારનો અંત આવી ગયા બાદ ઉત્સુક્તા વધી ગઈ છે. મતદાન માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. મતદાનને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રચારનો અંત આવ્યા બાદ મતદારો હવે ઘેર ઘેર જઈને પ્રચાર કરવામાં લાગી ગયા છે. ગુજરાતમાં જે છ બેઠકોની પેટા ચૂંટણી યોજનાર છે તેમાં રાધણપુર, બાયડ, લુંણાવાડા, અમરાઈવાડી, થરાદ અને ખેરાલુનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણી સાથે ગુજરાતની પણ છ વિધાનસભા બેઠકો માટે પણ પેટા ચૂંટણી તા.૨૧ ઓક્ટોબરે યોજાવા જઇ રહી છે જેને લઇને આજે સાંજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. હવે ઉમેદવારો છેલ્લા ૪૮ કલાક ડોર ટુ ડોર અને વન ટુ વન બેઠકો અને મુલાકાત કરી છેલ્લી ઘડીના પ્રચારના મરણિયા પ્રયાસોમાં જોતરાયા છે. બીજીબાજુ, રાજયની આ છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીને લઇને સત્તા ટકાવી રાખવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

              ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇ સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે તો, સુરક્ષાને લઇને પણ તંત્ર દ્વારા તમામ રીતે બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ગુજરાત રાજ્યની છ વિધાનસભા બેઠકની પેટાચૂટંણીને લઇને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા.રાજ્યમાં તા.૨૧ ઓક્ટોબરના રોજ રાધનપુર, બાયડ, લુણાવાડા, અમરાઇવાડી, થરાદ અને ખેરાલુ બેઠક પર મતદાન યોજાશે. ગુજરાતમાં યોજાનારી છ બેઠક પરની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. તો, એનસીપી અને અપક્ષોએ પણ ભાજપ-કોંગ્રેસને લડત આપવા મરણિયા પ્રયાસો કર્યા છે. પરંતુ ભાજપ માટે સત્તા ટકાવી રાખવા માટે એડીચોટીનું જોર બહુ મહત્વનું મનાઇ રહ્યું છે. ભાજપ કોઇપણ ભોગે તમામ છ બેઠકો કબ્જે કરવા મરણિયું બન્યું છે. રાજ્યની છ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીની વાત કરીએ તો રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઇ ઉમેદવાર છે. જ્યારે બાયડમાં ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુ પટેલ મેદાનમાં છે. તો, થરાદમાં જીવરાજ પટેલ સામે ગુલાબસિંહ રાજપૂત છે.

              ખેરાલુની વાત કરીએ તો ભાજપના અજમલ ઠાકોર સામે બાબુ ઠાકોર ઉમેદવાર છે. લુણાવાડામાં જિજ્ઞેશ સેવક સામે ગુલાબસિંહ ચૌહાણ છે અને અમદાવાદના અમરાઇવાડીમાં જગદીશ પટેલ સામે કોંગ્રેસના ધર્મેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. રાજ્યમાં દિવાળી પહેલાં તા.૨૧મી ઓકટોબરે યોજાનારી છ  બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધારે કવાયત ભાજપ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની સત્તા હતી. આમ સત્તા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ભાજપ પાસેથી આ બેઠકો આંચકી લેવાના ઇરાદાથી મેદાનમાં ઉતર્યું છે. જો કે, ચૂંટણીના પરિણામના દિવસે સ્થિતિ સ્પષ્ટ થઇ જશે કે કયો પક્ષ હાવી રહ્યો. પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની બની છે.

કોણ કોની સામે રહેશે...

અમદાવાદ, તા. ૧૯ : ગુજરાતની છ વિધાનસભા સીટો માટેની પેટાચૂંટણી ૨૧મીએ યોજાનાર છે. કઈ સીટ ઉપર કોણ મેદાનમાં છે તે નીચે મુજબ છે.

*   રાધણપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈ ચૂંટણી મેદાનમાં છે

*   બાયડમાં ભાજપના ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુ પટેલ ચૂંટણી મેદાનમાં છે

*   થરાદમાં ભાજપના જીવરાજ પટેલ સામે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત મેદાનમાં છે

*   ખેરાલુમાં ભાજપના અજમલ ઠાકોર સામે બાબુ ઠાકોર ઉમેદવાર તરીકે છે

*   લુણાવાડામાં જીગ્નેશ સેવક સામે ગુલાબસિંહ ચૌહાણ મેદાનમાં

*   અમરાઈવાડીમાં જગદિશ પટેલ સામે કોંગ્રેસના ધર્મેશ પટેલ ચૂંટણી મેદાનમાં છે

(9:02 pm IST)