Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર મોરડુંગરા ૩૬ મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે વચનામૃત ગ્રંથની પોથીયાત્રા યોજાઇ

સિલાઈના સંચાઓનું વિતરણ કરાયું અને બાળકોને બેગ અપાઈ

વિરમગામ : પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા સાપા - મોરડુંગરામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર સ્થાન છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરાના ૩૬ મા વાર્ષિક પાટોત્સવની પૂર્વ સંધ્યાએ સંપ્રદાયનો વેદ વચનામૃત ગ્રંથની પોથીયાત્રા - શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

  . કલાત્મક રથની અંદર ગ્રંથરાજ વચનામૃત તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાન સહ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ વિરાજમાન થયા હતા. અને પૂજનીય સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તોએ મસ્તકે શિરમોર ગ્રંથ વચનામૃતને મસ્તકે ધારણ કરી અને નગરયાત્રા - શોભાયાત્રાને અનુસર્યા હતા. કીર્તનના તાલે શોભાયાત્રામાં પ્રભુ મસ્તીમાં ઝૂમતા નાચતા મંદિર સુધી  જોડાયા હતા. મંદિરે પોથીયાત્રા પૂર્ણ થતાં વચનામૃત ગ્રંથનું પૂજન-અર્ચન અને આરતી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે  ઉતારી હતી. તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી મુખવાણી વચનામૃત ગ્રંથ દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રી મહોત્સવના ઉપક્રમે ચાલતી તે તે વિસ્તારોમાં અખંડ ધૂન્યની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી.

  આજે શ્રી સ્વામિનારાયણ  મંદિરના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચાર થી પૂજન-અર્ચન કર્યું હતું તેમજ ભગવાનને વિવિધ પ્રકારના પકવાન, ફરસાણ સાથેનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને આરતી પણ ઉતારવામાં આવી હતી. આ  પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

  પાટોત્સવ અવસરે પંચમહાલ જિલ્લાના કલેકટર શ્રી અમિત અરોરા પધાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સમાજીક અને માનવ ઉત્કર્ષના સેવાકિય કાર્યો નિહાળીને તેઓ અભિભૂત થયા હતા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પાટોત્સવના મંગલ દિને હજારોની સંખ્યામાં પંચમહાલ, દાહોદ, વડોદરા વગેરે જિલ્લાઓમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

(7:47 pm IST)