Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સુરતમાં ૪ મહિના પહેલા પુત્રને ગુમાવ્યા બાદ માતા-પિતાએ વિરહમાં સજોડે આપઘાત કરી લીધો

સુરત: સુરતના અલથાણ વિસ્તારમા મૃતક પુત્રના વિરહમા દંપતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ચાર મહિના પહેલા પુત્રની ગુમાવ્યા બાદ દંપતી આઘાતમાં સરી ગયું હતું અને જાણે તેઓને જીવવાની ઈચ્છા જ રહી ન હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

પુત્રના મોતથી જીવવાની ઈચ્છા ગુમાવી

સુરતના અલથાણ વિસ્તારમા રહેતા ભરતભાઇ પટેલ જવેલરી શોપમાં કામ કરતા હતા. તેમનો 22 વર્ષીય પુત્ર પ્રેમને બ્લડ કેન્સર હતું. જેનુ ચાર માસ અગાઉ જ મોત નિપજ્યું હતું. પુત્રના એકાએક મોત બાદ ભરતભાઇ તથા તેમના પત્ની પલ્લવીબેન ડિપ્રેશનમાં રહેતા હતા. એકનો એક પુત્રનુ મોત થતા તેઓ તણાવમાં આવી ગયા હતા. ત્યારે જીવવાની ઈચ્છા ગુમાવી ચૂકેલા દંપતીએ આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા તેમના સ્વજનો તથા સ્થાનિક લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતું. સાથે જ ખટોદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પોતાના અંગોનું દાન કરવાની સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ

પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમા તેઓએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા દીકરાના મોત બાદ એકલતા અનુભવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મોત બાદ બંનેના અંગોનું દાન કરવાનો પણ ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કર્યો છે. હાલ પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભરતભાઈએ આપઘાત કરતાં અગાઉ દીકરાને ફેસબુકમાં શ્રધ્ધાંજલિ આપી હતી. દીકરાના ફોટો પર ચોથી માસિક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલિ એવું લખ્યું હતું.

(4:40 pm IST)