Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પંચમહાલમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારોઃ સુવિધાના અભાવે દર્દીઓને વડોદરા-અમદાવાદ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવા પડે છે

પંચમહાલ : હાલ સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દર્દીઓને ડેન્ગ્યુના પરીક્ષણ માટે ગોધરા ખાતે કોઈ જ સવલત છે નહિ જેને લઈને દર્દીઓને વડોદરા અને અમદાવાદ ખાતે જવાનો વારો આવ્યો છે. પંચમહાલ જીલ્લા છેલ્લા 10 માસ માં 45 જેટલા ડેન્ગ્યુ ના પોઝિટિવ કેસ મળી આવ્યા છે ત્યારે છેલ્લા માત્ર એક માસ માં જ 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. ગોધરા ની કરીએ તો ગોધરાના કાછીયાવાડ વિસ્તારના ગોધરા નગરપાલિકાના કર્મચારીની પત્નીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયું હોવાનો પરિવારજનોનો દાવો છે. ત્યારે મૃતક મહિલાનો પુત્ર પણ વડોદરા ખાતે હાલ ડેન્ગ્યુ ની સારવાર લઈ રહ્યો છે.

 માત્ર ગોધરા 30 જેટલા શંકાસ્પદડેન્ગ્યુના દર્દીઓ વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે કાલોલ નગરમા એક જ પરિવારના ત્રણ સભ્યો ને શંકાસ્પદ ડેન્ગ્યુ ની સારવાર વડોદરા ખાતે લઈ રહ્યા છે. ત્યારે દર્દીઓને ડેન્ગ્યુ અંગેના પરીક્ષણ અને સારવાર માટે વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં આવેલ સરકારી અને બિનસરકારી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે , પંચમહાલ - દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગોધરા ખાતે આવેલ છે ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના પરીક્ષણ માટેની કોઈ જ વ્યવસ્થા નથી કે નથી સારવારની યોગ્ય વ્યવસ્થા જેને લઈને દર્દીઓને બહારગામ જવું પડે છે.

જોકે આરોગ્ય વિભાગ સમયાંતરે મચ્છરો નો ઉપદ્રવ નાથવા માટે ફોગીંગ અને દવા છંટકાવ કરતુ રહે છે છતાં ડેન્ગ્યુ ના દર્દી ની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુને નાથવા માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કરવામાં આવી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.ભલે આરોગ્ય વિભાગના ચોપડે માત્ર 45 જ દર્દીઓ ડેન્ગ્યુના નોંધાયા હોય પરંતુ જિલ્લા ભરમાં હાલ ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે , અનેક લોકો હાલ ખાનગી હોસ્પિટલો સારવાર હેઠળ છે. તો બીજી તરફ ગોધરા ખાતે ડેન્ગ્યુના પરીક્ષણ થી લઈને તેની યોગ્ય સારવાર ગોધરા ખાતે ન હોવાની વાતને જિલ્લા આરોગ્ય અધિકારી સમર્થન આપી રહ્યા છે અને ગોધરા ખાતે આ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાંનું અને આગામી એક માસમાં ગોધરા ખાતે તમામ સેવાઓ શરુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

જિલ્લા આરોગ્ય અધિકારીનો સરકારી જવાબ

હાલ ગોધરા ખાતે ડેન્ગ્યુના પરીક્ષણમાં અગવડતા છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુનું પરીક્ષણ થતું નથી જેના માટે વડોદરા સેમ્પલ મોકલવા પડે છે જે અંગે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે , અને આગામી એક માસમાં આ સેવા શરુ કરવામાં આવશે. - એસ કે મોઢ , જિલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલ

(4:37 pm IST)