Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્ર ખોલવા ૨૫૦૦ અરજીઓ આવી, ૩૫૦ કાર્યરત

ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વિકલ્પે ગોઠવાતી વ્યવસ્થા : ૧૦૦૦ જેટલા નોટરીઓએ ઈ-સ્ટેમ્પીંગ માટે મંજુરી માંગી

રાજકોટ, તા. ૧૯ :. રાજ્ય સરકારે ૧ ઓકટોબરથી દસ્તાવેજોમાં ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણ પર મહદઅંશે નિયંત્રણ મુકી ઈ-સ્ટેમ્પીંગને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરેલ છે. પ્રારંભિક હોબા ળા બાદ ધીમે ધીમે ઈ-સ્ટેમ્પીંગ વ્યવસ્થા ગોઠવાતી જાય છે. રાજ્યમાં આજ સુધીમાં ૩૫૦ જેટલા અરજદારોએ ઈ-સ્ટેમ્પીંગ શરૂ કરી દીધી છે. લોકોને આ કેન્દ્રો પરથી ઈ-સ્ટેમ્પીંગ સેવાનો લાભ મળશે.

મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઈ-સ્ટેમ્પીંગ શરૂ કરવા માટે અત્યાર સુધીમાં ૮૮૫ જેટલા સ્ટેમ્પ વિક્રેતાઓ, ૧૦૦૦ જેટલા નોટરીઓ, ૧૧૦ જેટલી બેન્કો, ૧૪૦ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત કુલ ૨૫૦૦ જેટલી સંસ્થાઓ અથવા વ્યકિતએ રસ દાખવ્યો છે. અધિકૃત એજન્સીને આ અંગેની અરજી મળી છે. જેમાંથી આજ સુધીમાં આશરે ૩૫૦ અરજીઓ મંજુર કરી કાર્યરત કરી દેવામાં આવી છે. ૫૦૦ થી ૭૦૦ સ્થાનો પર ઈ-સ્ટેમ્પીંગ કાર્યરત થઈ જાય તો લોકોની પરેશાની સંપૂર્ણ દૂર થઈ જાય તેમ છે. સરકારે બાકીની અરજીઓ ચકાસી ઈ-સ્ટેમ્પીંગની માન્યતા આપવાની કાર્યવાહી આગળ વધારી છે.

ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણની સરખામણીએ ઈ-સ્ટેમ્પીંગમા લાયસન્સ ધારકને કમિશન ખૂબ ઓછુ મળે છે. આ બાબતે સ્ટેમ્પ વિક્રેતાઓ સરકારને રજૂઆત કરી છે. સરકાર આ બાબતે સ્ટેમ્પ વિક્રેતાઓના લાભાર્થે હકારાત્મક દિશામાં હોવાનું જાણ વા મળે છે. કમિશનમાં વધારો થવાની વિક્રેતાઓની આશા બળવત્તર બની છે.

(4:11 pm IST)