Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કમલેશ તિવારીની અતિ ક્રૂર હત્યા : સુરતના ૯ની ધરપકડ

ઉત્તરપ્રદેશમાં હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનારાઓ સુરતની દુકાનમાંથી મીઠાઈ ખરીદતા નજરે પડ્યા : ભગવા પહેર્યા'તાઃ એકાદ ડઝન વખત ગળા ઉપર છુરાના ઘા માર્યા : સીસીટીવી ફુટેજમાં હત્યારાઓ નિરાંતે જતા જોવા મળ્યા : તપાસ માટે સીટની રચના : બિજનૌરના ૨ મૌલાના વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ : માથા માટે દોઢ કરોડનું ઈનામ જાહેર કરેલઃ ઈન્ડિયન જેહાદી જૂથ અલ હિન્દ બ્રિગેડે હિન્દુ મહાસભાના રા. અધ્યક્ષની હત્યા કર્યાનું ખુલ્યુ

લખનૌ (ઉ.પ્ર.): હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કમલેશ તિવારીની તેમના જ મકાનમાં અતિ ક્રૂર હત્યા કરવામાં આવતા દેશભરમાં ખળભળાટ મચ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તુરત જ તપાસ માટે 'સીટ'ની રચના જાહેર કરી છે તો હત્યા કરનારાઓનું ગુજરાત કનેકશન ખુલ્યુ છે અને સુરતમાંથી એક મિઠાઈની દુકાનમાંથી મિઠાઈનું બોક્ષ ખરીદતા હોય તેવા સીસીટીવી ફૂટેજના પગલે અમદાવાદ 'એટીએસ'એ ૯ની રાતોરાત ધરપકડ કરી છે.

ઉ.પ્ર.ના ડી.જી.પી. ઓ.પી.સિંઘે સીટની જાહેરાત કરી છે જેમાં લખનૌના આઈજી એસ.કે.ભગતના નેતૃત્વમાં એએસપી ક્રાઈમ - લખનૌ દિનેશપુરી અને એસટીએફના ડેપ્યુટી એસ.પી. પી.કે.મિશ્રાને સામેલ કરાયા છે. યોગીજીએ તાબડતોબ વિસ્તૃત રીપોર્ટ માગ્યો છે.

સ્વ.કમલેશ ત્રિવેદી ખૂબ જ હિંમતવાળા હતા અને આતંકીઓના નિશાન ઉપર હતા.

ગુજરાત એટીએસએ કેટલાક આતંકીઓની ધરપકડ કરેલ ત્યારે પૂછપરછમાં હેન્ડલર ઉબેદ મિરઝા અને કાસીમને કમલેશભાઈની હત્યા કરવાનું કહેતા હોય તેવી વિગતો મળી આવેલ.

પોલીસ અધિકારીઓ પ્રાથમિક માને છે કે કોઈ અંગત દુશ્મનાવટને લીધે હત્યા થઈ છે. ૧૦ ટીમો હત્યારાઓને પકડવા કામે લગાડી છે. તમામ સીસીટીવી ફૂટેજ તપાસાય છે. જેમાં ભગવા ઝભ્ભા પહેરેલ બે હત્યારા હત્યા પછી નિરાંતે ચાલીને જતા જોવા મળે છે.

દરમિયાન ૨૦૧૬માં સ્વ.કમલેશ તિવારીએ ૨૦૧૬માં કરેલ કેટલીક ધાર્મિક ટિપ્પણીઓ અને મહમ્મદ સાહેબ વિરૂદ્ધના ઉચ્ચારણોના પગલે બિજનૌરના બે મૌલાના મોહમ્મદ મુફતી નસીમ કાઝમી અને ઈમામ મૌલાના અનવારૂલ હક વિરૂદ્ધ કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુન્હો દાખલ કરેલ છે. ૨૦૧૬માં કમલેશના માથુ કાપવા માટે ૧II કરોડનું ઈનામ જાહેર કર્યાનો આરોપ છે.

ઉ.પ્ર.ના ડેપ્યુટી સી.એમ. દિનેશ શર્મા તુરત જ સ્વ.કમલેશ તિવારીના નિવાસે પહોંચેલ પણ લોકોએ પ્રચંડ રોષ દર્શાવતા પરીવારને મળ્યા વિના પરત ફરેલ. કમલેશજીની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય તેમના પરીવાર માટે ફંડ એકત્રિત કરવાની હિલચાલ શરૂ થઈ છે.

મિઠાઈના ડબ્બામાં બંને હત્યારાઓ ભગવા ઝભ્ભામાં, મિઠાઈના ડબ્બામાં તમંચો, ચાકુ લઈને આવેલ. પરિચિત હોવાનું અને બંનેએ અડધો કલાક કમલેશજી સાથે વાતચીત કર્યા પછી છુરાના ઘા ગળા ઉપર ઝીંકી વેતરી નાખેલ. ગોળીબારના અવાજ પણ આવેલ. હુમલા પૂર્વે જ કમલેશજીએ પુત્ર મૃદુલને પાન-મસાલા લેવા મોકલેલ. તે પરત ફર્યો ત્યારે પિતાજી લોહીથી લથબથ પડ્યા હતા. સ્થળ પરથી તમંચો મળી આવેલ છે. કમલેશજી બે પુત્રો મૃદુલ અને રીષી તથા પત્નિ કિરણ સાથે ઘરમાં મોજુદ હતા. મોટો પુત્ર સત્યમ દાદાના ગામે મહમુદાબાદ રહેતો હતો.

બંને વ્યકિત ઘર ઉપર આવતા કમલેશજીએ તેને ઉપર બોલાવેલ. ચા પીવા કહ્યું હતું અને વાતચીત દરમિયાન મૃદુલને નોકર સાથે પાન લેવા મોકલી આપેલ એટલી વારમાં અતિ ક્રૂર રીતે હત્યા કરી નાખેલ. સીસીટીવી ફુટેજમાં બંને હત્યારાઓ લાલ અને ભગવા ઝભ્ભા પહેરેલ નજરે પડેલ.

૨૦૧૫માં એક સંપ્રદાય ઉપર ટિપ્પણી કરવા બાબતે કમલેશજીની ધરપકડ કરી રાષ્ટ્રીય સુરક્ષા કાનુન (રાસુકા) હેઠળ કાર્યવાહી થયેલ. આશ્ચર્યજનક રીતે બે મૌલાનાએ સરાજાહેર કમલેશજીની હત્યા માટે દોઢ કરોડનું ઈનામ જાહેર કરેલ તેમની સામે અત્યાર સુધી કોઈ પગલા લેવાયા ન હતા, હવે હત્યા પછી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધાયો છે.

કમલેશજી ત્રાસવાદી સંસ્થા આઈએસઆઈએસના નિશાન ઉપર પણ હોવાનું ૨૦૧૭માં ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલ બે આતંકીઓની પૂછપરછમાં ખુલ્યુ હતું. કમલેશજીની યુ ટ્યુબ વિડીયો જોઈ આ બંનેએ કહેલ કે અમારે આ શખ્સની હત્યા કરવાની હતી.

ગુજરાત એટીએસએ મોહમ્મદ કાસીમ સ્ટિંબરવાલા અને ઉબેલ અહમદ મિર્ઝાને ૨૫-૧૦-૨૦૧૭ના સુરતથી ઝડપી લીધેલ. તેઓ આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલ હતા અને અમદાવાદ સ્થિત ખાડીયામાં યહુદી ધર્મસ્થાન ઉપર હુમલાની યોજના હોવાનું ખુલેલ. ૧૫૦૦ પાનાની એફઆઈઆરમાં આ બંને હેન્ડલરને ટાંકીને એટીએસે કમલેશ તિવારીની હત્યાની વાત પણ લખી છે. કમલેશ તિવારીએ પૈગમ્બર મોહમ્મદ સાહેબ ઉપર લંબાણ ટીપ્પણીઓ કરેલ તે સંદર્ભે આ હેન્ડલરોને તેની હત્યાનું કામ સોંપાયેલ. કમલેશજીની હત્યા ગોળી મારીને નહિં પરંતુ છુરીથી બર્બરતાપૂર્વક ગરદન કાપી, ગાલ અને ડોક ઉપર ઘા ઝીંકી, મોઢા ઉપર ૪-૫ ચાકુ હુલાવી હત્યા કરેલ.

દરમિયાન ઈન્ડિયન જીહાદી ગ્રુપ અલ-હિન્દ બ્રિગેડે કમલેશ તિવારીની હત્યા કર્યાનું જાહેુર કર્યુ છે. યુપી સરકારે આ જેહાદને ગંભીરતાથી લીધેલ છે.

(11:53 am IST)