Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જીટીયુની પરીક્ષાઓ હવે પાછી ઠેલવવાનો નિર્ણય

તહેવારને ધ્યાનમાં રાખીને નિર્ણય

અમદાવાદ, તા.૧૮ : જીટીયુએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. દીવાળી વેકેશનમાં યોજાનારી પરીક્ષાઓ પાછળ ઠેલવાનો મહત્વનો નિર્ણય જીટીયુ સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. જેના કારણે હવે વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો લાભ માણી શકશે. દિવાળી બાદ હવે આ પરીક્ષાઓ યોજાશે.

   ઉલ્લેખનીય છે કે, જીટીયુ દ્વારા અગાઉ દિવાળીના પર્વ દરમ્યાન જ પરીક્ષા જાહેર કરાતા તેનો વિરોધ ઉઠ્યો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ આ પ્રકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી ઉઠેલા ભારે વિરોધ બાદ જીટીયુએ આખરે પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય કર્યો છે. આગામી તા.૨૫ ઓક્ટોબરથી તા.૧૨ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓને દીવાળી વેકેશનનો વિદ્યાર્થીઓને લાભ મળશે. તો તા.૭ નવેમ્બરથી શરૂ થતી થિયરીની પરીક્ષા હવે તા.૨૧ નવેમ્બરથી શરૂ થશે. બીજા તબક્કાની પ્રેક્ટીકલ પરીક્ષા તા.૧ નવેમ્બરને બદલે તા.૧૪ નવેમ્બરથી શરૂ થશે. જ્યારે સેમેસ્ટર ૪ અને ૬ ની રેમેડિયલ પરીક્ષા તા.૭ નવેમ્બરને બદલે તા.૭ ડિસેમ્બરથી શરૂ થશે. આમ, જીટીયુ સત્તાવાળાઓના છેલ્લી ઘડીયે કરાયેલા આ ફેરફારના કારણે વિદ્યાર્થીઓ હવે પરીક્ષાના ટેન્શન કે તાણ વિના દિવાળીના તહેવાર અને વેકેશનને મોજ માણી શકશે.

(8:41 pm IST)