Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વિરાટ માનવના વિરાટ વ્યક્તિત્વ જેવું જ વિરાટ સ્મારક: મોદી–રૂપાણી સરકારનું વિરાટ સ્વપ્ન એટલે ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’

સરદારનાં વ્યક્તિત્વની ઊંચાઈને ન્યાય આપતું હોય એમ ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને વિશ્વની સૌથી ઉંચી મુર્તિ હોવાનું ગૌરવ પ્રાપ્ત.:31 ઓકટો. સરદારની જન્મજયંતિએ મોદીજી ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે.

વિરાટ માનવના વિરાટ વ્યક્તિત્વ જેવું જ વિરાટ સ્મારક બનાવવાનું મોદી સરકારનું વિરાટ સ્વપ્ન એટલે ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’! આઝાદ ભારતના પહેલા ઉપવડાપ્રધાન, પહેલા ગૃહપ્રધાન. જેણે ભારતના અસંખ્ય રજવાડાનું વિલિનીકરણ કરીને ‛અખંડભારત’નું ભગીરથ કાર્ય પાર પાડ્યું. ભારતની અખંડિતતા અને એકતાના દ્રઢઆગ્રહી એવા લોહપુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા એટલે ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’... તત્કાલીન મોદી સરકાર દ્વારા 2013માં ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદીએ આ મૂર્તિ–સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો . 31 ઓક્ટોબર 2018 સરદારની જન્મજયંતીને દિવસે વડાપ્રધાન મોદી આ મૂર્તિનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. આમ, ગુજરાતના એક પનોતા પુત્રને ગૌરવ અપાવવા માટે, ગુજરાતના બીજા પનોતા પુત્રનાં મનોરથ અને આગેવાનીમાં પાર પડવા જઈ રહેલું આ ભગીરથ અભિયાન એ ગુજરાત માટે બેવડા ગૌરવની વાત છે

 આ પ્રતિમાની વિશેષતા 

કેવડીયા કોલોની, સરદાર સરોવરથી ત્રણેક કિલોમીટર દૂર સાધુબેટ પર સ્થિત આ મૂર્તિ સાત કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સમય અને સાઈઝ આ બન્ને બાબતોએ વિશ્વમાં બેવડો રેકોર્ડ સર્જે છે. કારણ આ સ્મારક, આજ સુધી સૌથી ઓછા સમયમાં, માત્ર પાંચ વર્ષના ગાળામાં તૈયાર થયેલ વિશ્વની સૌથી ઉંચી, મોટી પ્રતિમા છે.આજસુધી વિશ્વની સૌથી મોટી મૂર્તિમાં જેની ગણના થાય છે તે ચીનની સ્પ્રિંગ બુદ્ધાની પ્રતિમા 120 મીટર ઊંચી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 90 મીટર ઉંચી છે. જ્યારે ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’, 58 મીટર ઊંચા બેઝ પર 182 મીટરની મૂર્તિ, એમ કુલ ઉંચાઈ 240 મીટરની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સર્જન પછી સરદાર હવે તેના વ્યક્તિત્વની દ્રષ્ટિની સાથોસાથ મૂર્તિરુપે પણ સૌથી વિરાટ સાબિત થયા છે! 90000 ટન સિમેન્ટ અને 1800 મેટ્રિક ટન બ્રોન્ઝ દ્રારા સિંધુસભ્યતાની કલાશૈલીના આધારે બનાવાયેલી આ મૂર્તિમાં સરદારના ચેહરાની  ઉંચાઇ સાત માળ જેટલી, 70 ફૂટના હાથ તથા 85 ફૂટથી વધુ લાંબા પગ તથા એક વ્યક્તિના કદ જેવડી મોટી આંખો અને હોઠ છે!   

   વાતાવરણની વિપરીત અસરો, 220 કિલોમીટરની ઝડપે ફૂંકાતો પવન કે 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપની અસર ન થાય એવી મજબૂતાઈ આ મૂર્તિને આપવામાં આવી છે. ધાતુની ગુણવત્તા અંગે ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાર  ધાતુનું એવા પ્રમાણમાં મિશ્રણ કરવામાં આવ્યું છે કે જેથી સદીઓ સુધી તેના પર કાટ ન લાગે. મૂર્તિના હ્ર્દયના ભાગે વિશાળ ગેલેરીની રચના કરવામાં આવી છે. લીફ્ટની મદદથી ત્યાં પહોંચીને પ્રવાસીઓ ત્યાંથી સરદાર સરોવર બંધ અને નર્મદા તટ પર 17 કિલોમીટર જમીન પર વિસ્તરીત ‛વેલી ઓફ ફ્લાવર’, વિશાળ બગીચો કે જેની શોભા દુનિયાભરના અનેક પ્રકારના ફુલછોડ વધારશે, આ બંને સ્થળો જોઈ શકશે. આમ, અહી *‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સાથે અનેક આકર્ષક પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે.* આ ઉપરાંત લેઝર એન્ડ સાઉન્ડ શો દ્વારા સરદારનું ચરિત્ર નિરૂપણ, ઓડિયો-વિઝ્યુઅલ ગેલેરી, ટ્રાઇબલ મ્યુઝિયમ અને નર્મદા ડેમના તળાવ નંબર 3 અને 4 ના કિનારે કાયમી ટેન્ટસિટી ઊભું કરાયું છે. તેથી ત્યાં આવનારને રોકાણ કરવું હોય તો અનુકૂળતા રહે.

  સરદાર પટેલની મૂર્તિ ની પરિકલ્પના સંરચના પાછળ પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતાર કે જેમણે ભારતભરમાં અનેક સુપ્રસિદ્ધ મૂર્તિઓનું સર્જન કર્યું છે અને તેમના પુત્ર અનીલ સુતારની સુઝ મહેનત અને બારીક કલાદ્રષ્ટિ છે. 93 વર્ષની ઉંમરે પણ રામ સુતાર આ પ્રોજેક્ટમાં સંપૂર્ણપણે સક્રિય અને ખુબ જ ઉત્સાહિત છે *તેમના મતે આ મૂર્તિ એટલી ભવ્યાતિભવ્ય હશે કે જેની તવારીખ ઇતિહાસના પાનાઓમાં હંમેશા જીવંત રહેશે

  માત્ર ગુજરાત જ નહીં પશ્ચિમ ભારતના મહત્વના પ્રવાસન સ્થળો તરીકે વિકસવા જઈ રહેલું ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વફલક પર સરદાર, નર્મદા અને ગુજરાતને ઓળખ અપાવશે. આ પ્રોજેક્ટને કારણે ગુજરાત પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. આજુબાજુના વિસ્તારોમાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. સ્થાનિકોનું જીવનધોરણ ઉંચુ આવશે.*

 ભારત એકતાની ભાવનાવાળુ રાષ્ટ્ર બની રહે એ માટે દ્રઢઆગ્રહી  ‛અખંડભારત’ના સ્વપ્નદ્રષ્ટા સરદારનો લોકતાંત્રિક ભારતના સર્જનમાં સિંહફાળો છે. એમનું આ યોગદાન આવનારી પેઢીઓ જાણે-સમજે,   સરદાર આપણા વચ્ચે હંમેશા અમર રહે એ હેતુથી આકાર પામેલો મોદ–રૂપાણી સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ ‛સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ સરદારને અવિસ્મરણીય-અભૂતપૂર્વ શ્રદ્ધાંજલિ છે

 જય જય ગરવી ગુજરાત...!*

(8:35 pm IST)