Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદ: હાથીજણમાં 20 વર્ષથી બંધ પાણીની ટાકી જર્જરિત હાલતમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ:હાથીજણ ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી બંધ અને સાવ જર્જરિત અવસ્થામાં મૂકાઇ ગયેલી ઓવરહેડ પાણીની ટાંકી જીવલેણ પુરવાર થાય તેવી શક્યતા છે. પાયાના સળીયા દેખાવા, ઇંટો અને સિમેન્ટ તૂટીને નીચે પડવા લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત પાણીની આ ટાંકી સત્વરે ઉતારી લેવા માટે મ્યુનિ.કમિશરને પણ રજૂઆત કરાઇ છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ટાંકી ૨૦ વર્ષથી બંધ હાલતમાં છે. બાજુના હવાડો આવેલો છે. જ્યાં ગામની મહિલાઓ કપડા ધોવે છે. નાના બાળકો નહાતા હોય છે તેમજ પશુઓ અહીંયાથી જ પાણી પીતા હોય છે. ઓવરહેડ પાણીની ટાંકીની બાજુમાં જ બે વીજ થાંભલા આવેલા છે.

પાણીની ટાંકી પાયામાંથી સાવ ખવાઇ ગઇ છે. તેના પોપડાઓ અવારનવાર પડયા કરતા હોય છે. ગ્રામપંચાયત સમયની આ પાણીની ટાંકી હાલમાં બીનઉપયોગ છે. તેમજ ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેવી શક્યતા ગ્રામજનો સેવી રહ્યા છે.

(5:01 pm IST)