Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ત્રણ લાખની ચણિયાચોળી પહેરી ગરબે ઘુમી આણંદની યુવતી

જરદોશી વર્કથી બનાવેલી આ ચણિયાચોળીમાં અસલ સોનાના તાર અને રિયલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આણંદ તા. ૧૯ : નવરાત્રીના પર્વમાં યુવતીઓ ચણિયા ચોળી અને આર્ટિફિશિયલ જવેલરી પાછળ ઘણો મોટો ખર્ચ કરતી હોય છે. આવી જ એ શોખીન યુવતીએ સોનાના તાર અને રિયલ ડાયમંડથી બનેલી ચણિયાચોળી બનાવી છે અને તેને પહેરીને તે ગરબે ઘુમવા ઉતરી ત્યારે જોનારા જોતા જ રહી ગયા હતા.

આણંદમાં રહેતી યુવતીએ આ નવરાત્રી દરમિયાન પોતાનો શોખ પુરો કરવા માટે વિશેષ ચણિયાચોળી બનાવવાનો નિર્ણય લીધો હતો. તેણે જરદોશી વર્કનું કામ કરતા કારિગરો પાસે સોનાના તાર અને રિયલ ડામંડનો ઉપયોગ કરીને ચણિયાચોળીમાં ખાસ હેન્ડવર્ક કરાવ્યું હતું.

આ માટે તેણે ઈગલ થીમ પસંદ કરી હતી. ચોળીના પાછળના ભાગમાં સોનાના તાર વડે વિશાળ ઈગલ બનાવવામાં આવ્યું હતું. સાથે જ ચોળીની બાંય પર પણ હેન્ડવર્ક કરાયું હતું. સાડીના છેડામાં પણ સોનાના તારનું બારીક કામ કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે અત્યારે એક સેકન્ડ હેન્ડ કાર આવી જાય તેટલી કિંમતની આ ચણીયા ચોળી બનાવતાં એક મહિનો લાગ્યો હતો. ચાર કારીગરો દ્રારા રાત દિવસ મહેનત કરીને આ કિંમતી ચણીયા ચોળી તૈયાર કરવામાં આવી હતી.

આ અંગે યુવતીએ જણાવ્યું કે, 'આ ચણિયાચોળી ઈગલની થીમ પર બનાવી છે. તેમાં સોનાના તાર અને રિયલ ડાયમંડનો ઉપયોગ કર્યો છે. ચાર કારીગર દ્વારા તેનું નિર્માણ કરાયું છે. આ ચણિયાચોળી પહેરીને ગરમા રમવાના મારા અનુભવનો હું વર્ણવી શકું એમ નથી. આ નવરાત્રી પ્રસંગે લોકો કરતાં કંઈક ડિફરન્ટ કરવાનું મેં નક્કી કર્યું હતું અને આ વિશેષ ચણિયાચોળી બનાવીને મારો શોખ પુરો કર્યો હતો.'

(9:44 am IST)