Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પોલીસને બધી બાતમી આપતો હોવાનું કહી યુવક ઉપર હુમલો

ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર માટે દાખલઃ ઘાયલ યુવકની ભાભીએ ચાર આરોપી સામે શહેર કોટડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી : પોલીસની ચકાસણી

અમદાવાદ,તા.૧૮: શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ શહેરકોટડા પોલીસ સ્ટેશનથી થોડેક દૂર ગઇકાલે પોલીસના બાતમીદાર અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા યુવક પર ચાર શખ્સો જીવલેણ હુમલો કરીને નાસી જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસને બાતમી આપવાના મામલે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. શહેર કોટડા પોલીસે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવમાં હુમલો કરનાર ચારેય શખ્સો ગુનેગાર છે અને યુવક પર હુમલો કરતી વખતે તે કહેતા હતા કે અબ કી બાર મેરા નામ લિયા તો જિન્દા નહીં છોડૂંગા જાન સે માર ડાલૂંગા. સરસપુર વિસ્તારમાં આવેલ છાપરાના મકાનમાં રહેતી ર૩ વર્ષીય નસીમબાનુ કુરેશીએ ચાર શખ્સ વિરુદ્ધમાં ખૂની હુમલો કરવાની ફરિયાદ કરી છે. તારીખ ૧પના રોજ મોડી રાતે રેલવે પોલીસે નસીમબાનુના દિયર ઐયુબની કોઇ કેસમાં ધરપકડ કરી હતી. એક દિવસ લોકઅપમાં રહ્યા બાદ ઐયુબ છૂટી ગયો હતો. મંગળવારના દિવસે ગફુર ગલીમાં રહેતો વાહિદ સંધી ઐયુબ પાસે આવ્યો હતો અને તું મારી ખોટી બાતમી પોલીસને આપે છે, જેના કારણે આજે પોલીસ મને પકડીને લઇ ગઇ હતી તેમ કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. વાહિદે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતાં ઐયુબ ત્યાંથી જતો રહ્યો હતો. ગઇકાલે વાહિદ ખાને આ મામલે અદાવત રાખી શહેરકોટડા પોલીસ સ્ટેશનથી નજીક ઐયુબ પર ખૂની હુમલો કર્યો હતો.

ઐયુબ પર વાહિદ, જાવેદ, ફાવડો અને બદરી નામના યુવકો છરી અને ચપ્પા વડે હુમલો કરીને નાસી ગયા હતા. અબ કી બાર મેરા નામ લિયા તો જિન્દા નહીં છોડૂંગા જાન સે માર ડાલૂંગા તેમ કહીને ચાર જણા ઐયુબ હુમલો કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત ઐયુબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાલ તે ભાનમાં છે. શહેરકોટડા પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

(9:24 am IST)