Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમદાવાદમાં દશેરા પર્વ નિમિતે કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગના દરોડાઃ સીલ મારીને દંડની વસુલાત

અમદાવાદ: દશેરા પહેલા બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે શહેરમાં ફાફડા-જલેબીની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું અને ફાફડા-જલેબીના સેમ્પલ્સ લીધા. કોર્પોરેશનના અધિકારીઓએ પ્રહલાદનગરમાં આવેલી સૌરાષ્ટ્ર સ્વીટ અને ફરસાણની દુકાનને સીલ કરી છે. AMCના મેડિકલ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, દુકાન પાસે લાયસન્સ છે પરંતુ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. દુકાન પાસેથી 20,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

જુદી-જુદી દુકાનોમાંથી લીધા સેમ્પલ

ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, “દુકાનનું રસોડું ઉકરડા જેવું હતું. તૈયાર કરેલા ખાદ્ય પદાર્થોની બાજુમાં ગટર આવેલી છે.” હેલ્થ વિભાગની ટીમે જુદી-જુદી દુકાનોમાંથી ફાફાડા-જલેબીના સેમ્પલ્સ લીધા છે. કાંકરિયાની જાણીતી લખનવી જલેબીની બાજુમાં આવેલું સત્યનારાયણ પાન પાર્લર અને આશ્રમ રોડ પર આવેલા ચંદન ભજિયા હાઉસમાં લાયસન્સ વિના ખાદ્ય પદાર્થો વેચવામાં આવે છે.

બે અઠવાડિયામાં આવશે પરિણામ

હેલ્થ વિભાગની ટીમે ઓસ્વાલ, ચંદ્રવિલાસ, લક્ષ્મી ગાંઠિયા રથ, નવીન ચવાણા અને દિનેશ ભજિયા જેવી 19 દુકાનોમાંથી સેમ્પલ લીધા છે. સેમ્પ્લને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બે અઠવાડિયામાં રિઝલ્ટ આવી જશે.

(5:41 pm IST)