Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

બોરસદમાં ઘરેણાં પર પૈસા આપવાનું કહી 2.05 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ:ખાતે રહેતા એક શખ્સ દ્વારા ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓ પાસેથી દૈનિક બચતના પૈસા ઉઘરાવીને તેમજ તેમના ઘરેણાં ઉપર ધિરાણ અપાવીને બાદમાં ૨.૦૫ લાખ રૂપિયાની કુલ છેતરપીંડી કરતા આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

બોરસદ ખાતે રહેતી અને પોતાના ઘરે જ કટલરીનો સામાન વેચવાનો ધંધો કરતી વિધવા અખ્તરબાનુ ઈમ્તીયાઝમીંયા પઠાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, સને ૨૦૧૫માં તેમને ત્યાં મુસ્તકીમ ઉર્ફે મુસામલાઈ શબ્બીરોદ્દીન મલેક આવ્યો હતો અને પોતે દૈનિક બચતના નાણાં ઉઘરાવવાનું કામ કરે છે. જો તમારે દૈનિક બચત યોજનાની ચોપડી ખોલાવવી હોય તો જણાવવા કહ્યું હતુ.અખ્તરબાનુએ રોજ બચત કરવાના આશયે મુસ્તકીમ પાસેથી એમ. જે. બ્રધર્સ એન્ટરપ્રાઈઝના નામે ચોપડી ખોલાવી હતી અને દરરોજ બચતના પૈસા આપતા હતા. જે બદલ મુસ્તકીમ ચોપડીમાં સહી કરી આપતો હતો. ત્યારબાદ ૫૦ હજાર રૂપિયા ફીક્સ ડિપોઝીટ કરવા માટે આપ્યા હતા. અખ્તરબાનુના સગાભાઈ મોહંમદફારૂકે ગત ૨૪-૨-૨૦ના રોજ ૫૦ હજાર રૂપિયા ડીપોઝીટ કરવા માટે મુસ્તકીમને આપ્યા હતા. આસમીનબાનુએ મુસ્તકીમ મારફતે પૈસાની જરૂરત પડતા એક તોલાની બે સોનાની ચેઈન મણપ્પુરમ બેંકમાં બે વર્ષ માટે માસિક ૬૦૦ રૂપિયાના વ્યાજે ગીરવે મુકી હતી. આસમીનબાનુએ ૨૦૨૩માં ૨૫ હજાર રૂપિયા ચુકવી દીધા હતા. ત્યારબાદ અખ્તરબાનુના કહેવાથી ફેમિદાબાનુએ દૈનિક બચત યોજનાની ચોપડી ખોલાવીને તેમાં ૩૧ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અને પોતાની બે તોલા સોનાની ચેઈન મુસ્તકીમ મારફતે મણપ્પુરમ બેંકમાં મુકીને ૫૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જો કે પૈસાની જરૂરત પડતાં અખ્તરબાનુએ મુસ્તકીમ પાસે ચોપડીના પૈસા અપાવવાની વાત કરતા તેણે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા. જેથી તપાસ કરતા મુસ્તકીમે પોતાની જાતે જ ચોપડીઓ ખોલીને પૈસા મેળવી કુલ ૨.૦૫ લાખની છેતરપીંડી કરી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી અખ્તરબાનુએ આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(6:12 pm IST)