Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ગાંધીનગરમાં સે-28માં સાયકલની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે 1.11 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા શહેરના અલગ અલગ સેક્ટરોમાંથી સાયકલ અને મોબાઈલ ચોરી જનારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમની પાસેથી ૨૮ સાયકલ અને ચાર મોબાઈલ મળી ૧.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે તેને અટકાવવા અને અગાઉ બનેલા ગુનાઓ શોધવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસને સુચના આપવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ પ્રકારના ગુના ઉકેલવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાનમાં બાતમીના આધારે એલસીબીની ટીમે સેક્ટર ૨૪ ઇન્દિરા નગર વસાહતમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે અજરૃ ઉમરખાન બલોચને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ચાર મોબાઇલ અને ૨૪ જેટલી સાયકલો કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ સેક્ટર ૨૧માં રહેતા મુકેશ ચેતનભાઇ ભુંડિયાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પાસેથી ચાર સાયકલ કબજે કરવામાં આવી હતી. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે કબુલાત કરી હતી કે, ગાંધીનગર શહેરમાં ટયુશન ક્લાસીસ આસપાસ રેકી કરીને આ સાયકલોની ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં એકલદોકલ વ્યક્તિને રોકી તેની પાસેથી મોબાઇલ પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે ૧.૧૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાંધીનગર શહેરમાં થયેલી અન્ય ચોરીની ઘટનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે. તો સાયકલો સંદર્ભે નાગરિકોએ સેક્ટર ૨૮ એલસીબી કચેરીનો સંપર્ક સાધવા પણ જણાવાયું છે.

(6:12 pm IST)