Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

સીએમએમ ભારત દ્વારા વિરમગામ સંજીવની રેસીડેન્સીના બાળકોને માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવતા શીખવાડવામાં આવ્યું

બાળકો દ્વારા પોતાના ઘરે જ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને ત્રીજા દિવસે બગીચામાં વિસર્જન

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવીને સ્થાપના કરવા માટે સરકાર સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ સંજીવની રેસિડેન્સીના બાળકોને સીએમએમ ભારત દ્વારા માટીમાંથી ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા શીખવાડવામાં આવી હતી. બાળકોને સંજીવની રેસીડેન્સીના વાલીઓ પણ મદદરૂપ બન્યા હતા. 

  સીએમએમ ભારતના વંદના નીલકંઠ વાસુકિયાના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા માટીના ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની 15 મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી અને ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરે મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવશે. ત્રીજા દિવસે સંજીવની રેસિડેન્સીના ગાર્ડનમાં સામૂહિક રીતે માટીની ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ ખીલે અને પર્યાવરણને પણ બચાવી શકાય તે માટે સીએમએમ ભારત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવતા શીખવાડવામાં આવી હતી અને સાથે પ્રકૃતિનું જતન કરવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો.

(12:11 am IST)