Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સર્જનહારનું વિસર્જન, વિરમગામમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને અપાઇ વિદાય

વિરમગામમાં ગજાનન ગણપતિ બાપાને વિદાય આપતી વખતે અનેક ભાવિકો ભાવવિભોર બન્યા : વિરમગામ નગરપાલિકા દ્વારા ગણપતિ બાપાની મુર્તિઓના વિસર્જન માટે હોડીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ નગર અને તાલુકા સહીત અમદાવાદ જીલ્લામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાની શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપના કરવામાં આવી હતી. રવિવારે ગણેશોત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને વિદાય આપવામાં આવી હતી. વિરમગામના રાજમાર્ગો ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. પાર્વતી પુત્ર ગજાનંદને વિદાય આપતી વખતે ભાવિકો ભાવવિભોર બન્યા હતા અને સર્જનહાર ગણેશજીની મુર્તિઓનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે વહેલી સવારથી જ ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાં નાના મોટા ૩૦૦ થી વધુ વિઘ્નહર્તા ગણપતિ બાપાની મુર્તિઓનુ રવિવારે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેરના ગણેશ મહોત્સવના આયોજકો સાથે સંકલન કરી વિરમગામ-ડુમાણા રોડ પર તુલસી વાટીકા પાસે આવેલ કોરી તલાવડીમાં વિઘ્નહર્તાના વિસર્જનની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિ વિસર્જનના સ્થાન તથા રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વિરમગામ નગરપાલિકા દ્વારા ગણપતિ બાપાની મુર્તિઓના વિસર્જન માટે હોડીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના વૈશ્વિક મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં ભક્તો વિસર્જન સ્થાન સુધી આવ્યા હતા. દસ દિવસ સુધી ગણપતિ બાપાની સેવા પુજા કરનારા અનેક ભક્તો ગણપતિ બાપાની મુર્તિ વિસર્જન દરમ્યાન ભાવુક થઈ ગયા હતા અને ચારેબાજુ જય ગણેશ દેવ, ગણપતિ બાપા મોરિયા નો નાદ સંભાળાઇ રહ્યો હતો

(7:52 pm IST)