Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

૧૨૦૦ બેડમાં મહિલા-બાળરોગ હોસ્પિટલ શરૂ

કોરોનાના દર્દી આવવાનું બંધ થતા નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડમાં એક મહિનાથી કોરોનાના દર્દી આવ્યા નથી, ફરીથી જૂની સેવાઓ શરુ કરાઈ

અમદાવાદ,તા.૧૯ : અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં મહિલા અને બાળરોગની ઓપીડી અને આઈપીડી સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવતો હતો જોકે, હવે કોરોનાનો ખતરો ઘટી ગયા બાદ ફરી જૂની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પાછલા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના દર્દી દાખલ થયા નથી. એક તરફ કેસમાં ઘટાડો અને બીજી તરફ હોસ્પિટલ ખાલી પડતા બાળ રોગ હોસ્પિટલની સેવા ફરી શરુ કરવામાં આવી છે. આજે રીતે મહિલાઓને લગતી સેવાઓ પણ ફરી શરુ કરવામાં આવી છે. કોરોના હજુ પણ આપણી વચ્ચે છે, આવી સ્થિતિમાં તાત્કાલિક દર્દીઓનો ફ્લો વધે તો શું કરવું તેને ધ્યાનમાં રાખીને ૧૨૦૦ બેડમાં ૨૦૦ બેડ કોરોનાના દર્દીઓ માટ રિઝર્વ રાખવામાં આવ્યા છે.

              ત્રીજી લહેર આવે તો તેના પડકારો ઝીલવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. આ સાથે સુપરિટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે, આવનારા સમયમાં બાળરોગ સર્જરી અને યુરોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે. ગઈકાલે શરુ થયેલા ઓપીડી અને આઈપીડીમાં દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા. જેમાં બાળ રોગના ૧૨૦ દર્દીઓ અને ગાયનેકના ૧૩૦ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વડાપ્રધાનના બર્થડેના દિવસે રાજ્યમાં વેક્સિન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. પાછલા વર્ષે લોકડાઉન પછી અને દિવાળી દરમિયાન કોરોના વરર્યો હતો ત્યાર ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, આ પછી બીજી લહેર દરમિયાન ૧૨૦૦ બેડ સહિત મેડિસિટીમાં આવતી અન્ય હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવતા હતા. પરંતુ આ પછી કેસમાં ઘટાડો થતા કોરોનાના દર્દીઓ માટે રિઝર્વમાં રાખવામાં આવેલી હોસ્પિટલો ખાલી થવા લાગી હતી. જેમાં પાછલા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી દાખલ નથી થયું.

(7:48 pm IST)