Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

બીએફ સાથે ભાગી જવા માતા-પિતા અને ભાઈને ઝેર ખવડાવ્યું

સુરતની યુવતીએ ભારે કારસ્તાન કર્યું : આલુ પરોઠામાં દવા મિક્સ કરીને માતા-પિતા અને ભાઈને ખવડાવી દીધા, પ્રેમી સાથે પરણવા કારસ્તાન કર્યું

સુરત,તા.૧૯ : પોલીસે શુક્રવારના રોજ પ્રેમી સાથે ભાગવા માટે પરિવારને ઝેર ખવડાવવાના આરોપસર ૧૮ વર્ષની એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. યુવતી લાંબા સમયથી પ્રેમી સાથે પરણવા માંગતી હતી, માટે તેણે પોતાના જન્મદિવસના બે દિવસ પછી માતા પિતા અને ભાઈના ભોજનમાં ઝેર ઉમેરી દીધું અને ઘર છોડીને ભાગી ગઈ. પોલીસે તે યુવતી, તેના પ્રેમી અને પ્રેમીના પિતાની ધરપકડ કરી છે. યુવતીના પિતા દીપક વણઝારાની ફરિયાદ અનુસાર ડિંડોલી પોલીસે ખુશ્બુ તેનો પતિ સચિન અને સચિનના પિતા અશો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ ત્રણ લોકો પર ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દીપક વણઝારા હજીરામાં એક ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા, પરંતુ કોરોના લોકડાઉનને કારણે તેમણે નોકરી ગુમાવી હતી. આરોપી સચિનના પિતા અશોક પ્રોપર્ટી બ્રોકર છે, જ્યારે સચિન અત્યારે બેરોજગાર છે. પોલીસે અશોકની ધરપકડ કરી છે, પરંતુ સચિન અને ખુશ્બુ હજી ફરાર છે. પોલીસને શંકા છે કે પતિ-પત્ની કોઈ સંબંધીના ઘરે છુપાયા છે.

             પોલીસની ટીમ બન્નેની શોધ કરી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે બન્ને પરિવાર ડિંડોલીમાં એક જ સોસાયટીમાં રહે છે, અને તે દરમિયાન જ આરોપી ખુશ્બુ અને સચિનની દોસ્તી થઈ હતી. બે વર્ષ પહેલા પણ ખુશ્બુ દસમા ધોરણનો અભ્યાસ છોડીને સચિન સાથે ભાગી ગઈ હતી. તે સમયે સચિનના કોઈ સંબંધીના ઘરેથી બન્ને મળી આવ્યા હતા. ખુશ્બુ હજી નાની હોવાને કારણે તેને ઘરે પાછી લઈ આવવામાં આવી હતી. તેના માતાપિતા આ સંબંધના વિરુદ્ધ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ખુશ્બુના ૧૮મા જન્મદિવસના બે દિવસ પછી તેણે પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. તેમણે યોજના બનાવી કે ૧૨મી સપ્ટેમ્બરના રોજ માતા પિતાને બેભાન કરશે અને પછી ભાગી જશે. તેણે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી અને આલુ પરોઠાના આટામાં મિક્સ કરી દીધી. સાંજના સમયે ખુશ્બુએ આખા પરિવારને દવા વાળા આલુ પરોઠા ખવડાવ્યા પણ પોતે જમવા નહોતી બેસી. થોડી વાર પછી જ્યારે પરિવારના સભ્યો બેભાન થઈ ગયા તો અશોક આવ્યો અને ખુશ્બુને પોતાની મોટરસાયકલ પર બેસાડીને લઈ ગયો અને પછી તે સચિન સાથે ભાગી ગઈ. બીજા દિવસે સવારે ખુશ્બુના પિતાની આંખ ખુલી તો તેમણે જોયું કે દીકરી ઘરમાં હાજર નથી. તેમણે પત્ની અને દીકરાને ઉઠાડ્યા.

(7:47 pm IST)