Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સુરતમાં ખેતલા આપાના માલિકની હત્‍યા : ચપ્‍પુના આશરે ૧૦ ઘા જીકી કરાઇ નિર્દયી હત્‍યા

હત્‍યારાને પોલીસે ગણત્રીની કલાકોમાં ઝડપી લીધો

 સુરત : સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલની સામે ખેતલા આપા ટી સ્ટોલના માલિકની  ઊંઘમાં ગળું કાપી ઘાતકી હત્યા કરાઈ હતી. જો કે  ઉમરા પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. આમ સુરતમાં યુવકની ઘાતકી હત્યાની ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ચકચારી હત્યાના બનાવની વિગતો એવી છે કે  ડુમસ રોડ પર વીઆર મોલ સામે ભાડેની જગ્યામાં રોહિતસિંઘ પરિહારે છેલ્લા દોઢેક મહિનાથી ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો. રોહિતસિંઘની ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો છે. ગત ગુરુવાર રોહિતસિંઘ સ્ટોલ બંધ કરી ખાટલો બહાર નાખી સૂઈ ગયો હતો. ત્યારે ઓય...ઓય...ની બૂમ અને રિક્ષા સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો હતો.
રોહિતસિંઘના મિત્ર વિરાજે શટર ખોલવા માટે બૂમ પાડી રોહિતને કોલ કર્યો હતો. પરંતુ રોહિતે કોલ રિસિવ નહીં કરતા મિત્રોને ફોન કર્યો હતો. જેથી મિત્ર ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર નજીક રોહિતનું ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં ખાટલાથી નીચે પડ્યો હતો.
ચિરાગે શટર ખોલતા વિરાજ અને સ્વાતી બહાર આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ સમક્ષ વિરાજે જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક અજય સુદામને રોહિતે હાથ ઉછીના 80 હજાર રૂપિયા આપ્યા હતા.
આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય વાયદા આપતો હતો. હત્યારાએ રોહિતસિંઘને ચપ્પુના 8થી 10 ઘા મારી હત્યા કરી હતી. પોલીસે હત્યારા અજય ઘડાઈને પકડી પાડ્યો છે. ગુરૂવારે રાત્રે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતી દુકાનમાં પિક્ચર જોતા હતા તે વખતે સિગારેટ લેવા આવેલા વ્યક્તિએ રોહિતસિંઘને પૂછ્યું હતું કે, તુમ કિતને લોગ યહાં પે સોતે હો. જેથી રોહિત     સિંઘે કહ્યું કે, 5-7 જણા સોતે હૈ. આજ મૈં અકેલા સોને વાલા હું. જેથી સિગારેટ લેવા આવેલા શખ્સે રેકી કરી હોવાની આશંકા છે.

(4:16 pm IST)