Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

અંબાજીથી પરત ફરતા શ્રધ્ધાળુઓ પર કાળચક્ર ફરી વળ્યું

રાણપુર પાસે પગપાળા જતા યાત્રાળુઓને વાહન ચાલકે હડફેટે લેતા ૩ ના મોત : બાયડ કપડવંજ હાઇવ પર લકઝરી બસ હડફેટે એક શ્રધ્ધાળુનું મોત

અરવલ્લી :આદ્યશક્તિ મા અંબાના ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હાલ અંબાજી જતા અને આવતા માર્ગા પર ભક્તો જ ભક્તો દેખાઈ રહ્યાં છે. ભાદરવી પૂનમની બાધા પુરી કરવા અંબાજી જતા ભક્તોથી રસ્તાઓ ભરાઈ ગયા છે. આવામાં સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓ સાથે અકસ્માત (Accident) નો બનાવ બન્યો છે. ગઈકાલે અંબાજી પાસે રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી 3 ના મોત નિપજ્યા હતા. ત્યારે આજે બાયડ-કપજવંજ હાઈવે પર લક્ઝરી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા એક શ્રદ્ધાળનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજીથી પરત ફરી રહેલ શ્રદ્ધાળુઓને અકસ્માત સર્જાયો છે. બાયડ-કપડવંજ હાઇવે પર લકઝરીએ એક ટ્રેકટરને પાછળથી ટક્કર મારી હતી. આ ટ્રેક્ટરમાં અંબાજીથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ સવાર હતા. પાછળથી લક્ઝરીને ટક્કર એટલી જોરદાર હતી કે, તેમાં એક શ્રદ્ધાળનુ મોત નિપજ્યુ છે. તો 12 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને વાત્રક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

 મહીસાગરના કરણપુરના શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કર્યા બાદ પરત પોતાના વતન ફરી રહ્યા હતા. આમ, પગપાળા દર્શન બાદ ટ્રેકટરમાં પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે.

(2:41 pm IST)