Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

3જી ઓક્ટોબરે ધોરણ-12ના સમકક્ષતા પ્રમાણપત્ર અંગેની પરીક્ષા લેવા નિર્ણય

ITIના અભ્યાસક્રમમાં અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાશે

ગાંધીનગર: ITIના અભ્યાસક્રમમાં અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-12ના સમકક્ષતા પ્રમાણપત્ર અંગેની પરીક્ષા 3 ઓક્ટોબરે  લેવાનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ધોરણ-12 અંગ્રેજી દ્વીતીય ભાષાની પરીક્ષા રાજયના 18 કેન્દ્રો પરથી લેવાશે. પરીક્ષા માટેની હોલ ટિકીટનું વિતરણ ઓનલાઈન કરાશે. વિદ્યાર્થીઓ 24 સપ્ટેમ્બરથી હોલ ટિકીટ મેળવી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ITIના અભ્યાસક્રમના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-12નું શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 અંગ્રેજી દ્વીતીય ભાષાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓ પાસેથી આવેદનપત્રો મંગાવવામાં આવ્યા હતા. આ પરીક્ષા 3 ઓક્ટોબર, 2021ના રોજ લેવાનો બોર્ડ દ્વારા નિર્ણય કરાયો છે.

3 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે લેવાનારી આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓની હોલ ટિકીટ 24 સપ્ટેમ્બરે બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે. વેબસાઈટ પરથી શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી નાંખીને લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ પત્રની પ્રિન્ટ કાઢીને આવેદનપત્ર મુજબની વિગતની ખરાઈ કરી તેમાં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી, વિદ્યાર્થીની સહી કરી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી સિક્કા કરીને વિદ્યાર્થીને આપવાની રહેશે.

વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની સુચના પ્રતની પ્રિન્ટ આચાર્યએ સહી સિક્કા સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર સાથે ઓનલાઈન મુકવામાં આવેલી વિતરણ યાદીમાં પ્રવેશ પત્ર તથા સુચના પ્રત આપ્યા બદલની સહી પણ લેવાની રહેશે તેમ જણાવાયું છે. વિદ્યાર્થીને કોઈ વિગત બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરી ખાતે જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

બોર્ડ દ્વારા નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રોમાં અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ જ રીતે પાલનપુરમાં બનાસકાંઠાના વિદ્યાર્થીઓની, પાટણમાં પાટણના વિદ્યાર્થીઓની, મહેસાણામાં મહેસાણાના વિદ્યાર્થીઓની, હિંમતનગરમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓની, ખેડામાં ખેડા જિલ્લાના, ગોધરામાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓની, વડોદારમાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ જ રીતે અન્ય કેન્દ્રો પર પણ નજીકના જિલ્લાના વિદ્યાર્થીઓને સાંકળી લેવાશે.

(10:07 am IST)