Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની માંગનો 15 દિવસમાં ઉકેલવા કેન્દ્રના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રીનો આદેશ

અરજીનો સમયસર નિકાલ નહીં કરવા સંદર્ભે સંબંધિત અધિકારી પાસે જવાબ માંગ્યો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૮ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ ઓફિસ અને બીએસએનએલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતનું ટેલિકોમ માર્કેટ હાલમાં વિશ્વમાં સૌથી સસ્તામાં સસ્તું છે, પરંતુ તેની સાથે ઇન્ટરનેટની સ્પીડના રેન્કીંગમાં ભારતનો વિશ્વમાં ૭૦મો ક્રમાંક આવે છે, જે ચિંતાનો વિષય છે. ભારતની એવરેજ મોબાઇલ અપલોડ સ્પીડ પ.૧ એમબીપીએસ છે, જ્યારે યુએઇ ૧૯૩.પ૧, સાઉથ કોરિયા ૧૮૦.૪૮ તથા કતાર ૧૭૧.૭૬ એમબીપીએસ સ્પીડ ધરાવે છે. વિશ્વ આખું ફાઇવજી ટેકનોલોજી તરફ વધી રહયું છે, ત્યારે ભારતમાં પણ ફાઇવજી ટેકનોલોજી ઝડપથી શરૂ થાય તે માટે જોઇતા પગલા તાત્કાલિક લેવા માટે મંત્રીને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસમાં ડિલીવરી માટે વ્યકિતઓની અછત હોવાને કારણે સમયસર ડિલીવરી થઇ શકતી નથી. સુરતમાં મોબાઇલ ટેલિફોન સર્વિસિઝની ઓફિસો બંધ થઇ ગઇ હોવાથી લોકોને જે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ લાવવામાં આવે. સુરત પોસ્ટ વિભાગમાં હાલમાં એસ.આઇ.એફ.વાય. નેટવર્કનો ઉપયોગ થઇ રહયો છે. આ નેટવર્કના કારણે ઘણા પ્રશ્નો ઉદ્‌ભવી રહયા છે. આથી આ નેટવર્કને બદલવા અથવા તેમાં સુધારો થાય તે દિશામાં પ્રયાસ કરવા માટે મંત્રીને અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, બીએસએનએલ દ્વારા ખૂબ જ સારી સર્વિસ આપવામાં આવે છે, જેનો અનુભવ ચેમ્બરને પણ થયો છે. પરંતુ એક વર્ષ પહેલા બીએસએનએલ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી સાથે કોમ્બો ઓફર શરૂ કરાઇ હતી અને ત્યારબાદ ફરીથી સ્થિતિ કથળી ગઇ છે. જેનું નિરાકરણ લાવવા માટે તેમણે મંત્રીને અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું, છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની માંગ પૂરી કરવામાં વિલંબ થઇ રહયો છે. જેના કારણે સુરતના ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટરો અને પાર્સલ એકસપોર્ટ કરનારાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ અંગેની રજૂઆત પણ જે તે વિભાગમાં કરાઇ છે તેમ છતાં હજી સુધી ઉકેલ આવી શકયો નથી. દેશના વડાપ્રધાન જ્યારે ઉદ્યોગકારોને વેલ્યુ એડીશન કરવાની હાંકલ કરી રહયા છે અને એ દિશામાં પ્રયાસના ભાગરૂપે સુરતમાં ૩પ૦ જેટલા ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગના યુનિટો ચાલુ થયા છે. વેપારીઓને નાના ઓર્ડર ઓનલાઇન મળતા હોય છે ત્યારે ફોરન પોસ્ટ ઓફિસ શરૂ થાય તો સમસ્યાનું નિવારણ આવી જાય તેમ છે. આને કારણે સેમ્પલીંગ માટેની પણ સમસ્યા દૂર થઇ જશે.

તેમણે વધુમાં કહયું કે, બીએસએનએલ તથા અન્ય એક ટેલીકોમને કારણે કસ્ટમમાં જે પાર્સલો આવે છે તે બે – ત્રણ દિવસ માટે બ્લોક થઇ જાય છે. હાલમાં જ વેપારીઓનું રૂપિયા ૧૦ હજાર કરોડનું પેમેન્ટ અટવાઇ ગયું હતું. જેને કારણે વેપારીઓ ત્રણ મહિના સુધી હેરાન થયા હતા. આથી બીએસએનએલ સહિતના ટેલીકોમની સર્વિસ ઝડપી થાય તે માટે નેટવર્ક મજબુત કરવા માટે તેમણે મંત્રીને અનુરોધ કર્યો હતો. જીજેઇપીસી દ્વારા કરાયેલી અરજીનો પણ બીએસએનએલના અધિકારીઓ દ્વારા નિકાલ કરાયો ન હોવાનું જણાવ્યું હતું.

મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉદ્યોગકારોની રજૂઆત સાંભળ્યા બાદ ચાલુ મિટીંગમાં જ સંબંધિત અધિકારીઓને વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની સમયમર્યાદા નકકી કરી હતી. મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ દ્વારા નાનપુરા ખાતે સમૃદ્ધિ બિલ્ડીંગના બે માળની જગ્યાની ઓફર અપાઇ હતી. આ ઉપરાંત ઘોડદોડ રોડ ખાતેની પણ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બંને જગ્યાઓનો સરવે કરીને પંદર દિવસમાં ફોરેન પોસ્ટ ઓફિસની પડતર માંગણીનો ઉકેલ લાવવા માટે તેમણે અધિકારીઓને આદેશ આપ્યો હતો. જીજેઇપીસી દ્વારા કરાયેલી અરજીનો સમયસર નિકાલ સંદર્ભે સંબંધિત અધિકારી પાસે જવાબ માંગ્યો હતો અને કામ નહીં કરનાર આઉટ સોર્સિસની સામે પગલા લેવા માટે આદેશ કર્યો હતો.

મંત્રીએ વધુમાં કહયું હતું કે, ભારતમાં વિશ્વાસનું નેટવર્ક એ પોસ્ટ જ છે. હાલમાં પોસ્ટ ઓફિસોને મર્જ કરવામાં આવી રહી છે. સમસ્યા મોટી હોતી નથી પણ સંવાદ કરવાથી સમસ્યાનું નિરાકરણ આવી જાય છે. સુરતનો ફરીથી સમય આવી ગયો છે. સુરત, ભારતનું ગ્રોથ એન્જીન છે.
સુરતમાં માત્ર કોમ્યુનિકેશન નહીં પણ જે તે સેકટરની સમસ્યાને પણ દૂર કરીશું તો સુરતનો વિકાસ થશે. સુરતના કારણે આખા દેશનું કલાયમેટ ચેન્જ થશે.

તેમણે વધુમાં કહયું કે, બીએસએનએલ એકમાત્ર સેવા માટે છે. અત્યારે ટેકનિકલી સંચાર વિભાગની હાલત ખરાબ છે. બીએસએનએલ નબળું પડે એટલે બધા જ વિભાગો નબળા પડે છે. બીએસએનએલ રિવાઇવ થશે તો બધા જ મજબુત બની જશે. આથી ટેલી કોમ્યુનિકેશન અને પોસ્ટના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવીશું. ઇન્ડસ્ટ્રીની સાથે મળીને કામ કરીશું અને એકબીજાને પુરક પણ થઇશું.

મિટીંગમાં સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસીએશન અને સુરત કેબલ ઓપરેટર એસોસીએશનના પ્રતિનિધીઓ તેમજ ઉદ્યોગકારો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના એકાઉન્ટીબિલિટી, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર, પીપીપી ધોરણે પણ પોસ્ટ ઓફિસને વાયેબલ અને આકર્ષક કરવામાં આવે અને કેબલ ઓપરેટરોની લાયસન્સની મર્યાદા એક વર્ષથી વધારીને પાંચ વર્ષ સુધી કરવામાં આવે જેવી રજૂઆતોનો સમાવેશ થાય છે.

આજની મિટીંગનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપકકુમાર શેઠવાલાએ સુપેરે પાર પાડયું હતું.

(11:32 pm IST)