Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યા બાદ ઉત્તર -દક્ષિણ ગુજરાતને તરબોળ કરશે : હવામાન ખાતાની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ :  સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યા પછી ઉત્તર ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાંથી અછતની સમસ્યા દૂર થઈ તો તો જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો. જોકે, તબાહીની વચ્ચે પણ મેઘરાજાએ હજારો હેક્ટર જમીનને નવજીવન આપ્યું. ડેમ ઓવરફલો થઈ રહ્યા છે તો લોકો સાથે ખેડૂતોને રાહત મળી રહી છે.

દરમિયાન આજથી પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19-23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. જોકે, હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો આવે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ 19મી તારીખના રોજ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ-દમણમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

(11:29 pm IST)