Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સુરતમાં કારીગર ૫૩.૮૩ લાખના હીરા ચોરીને ફરાર

મહિલા મેનેજરે રફ હિરા સાઈન મારવા આપ્યા હતા : ફરાર મૂળ ભાવનગરનો મેહુલ કામળીયા હોવાનું સામે આવ્યું, પોલીસે તેને પકડવા ટીમ ભાવનગર રવાના કરી

સુરત , તા.૧૮ : શહેરના વરાછા વિસ્તારમાં આવેલા હીરા કારખાનામાં નોકરીના પચ્ચીસ દિવસમાં જ કારીગાર ૫૩.૮૩ લાખના હીરા ચોરીને ફરાર થઈ ગયો. મીડિયા રિપોર્ટ મુજબ મશીન પર શરીન ઓપરેટર તરીકે કામ કરતા મૂળ ભાવનગરના યુવકને મહિલા મેનેજરે ૫૩.૮૩ લાખના રફ હીરા સાઈન મારવા આપ્યા હતા. જો કે, તે હેરી લઈને ભાગી જતાં હાલ વરાછા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મૂળ અમરેલીના ખાંભાના વતની અને સુરતના વરાછામાં રહેતા ૪૩ વર્ષીય બકુલભાઈ સાવલીયા વરાછા અશ્વની કુમાર રોડ પર ધરતી ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે. કારખાનામાં શરીન ઓપરેટરની જરૂર હોવાથી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. જેથી ગત મહિને મેહુલ રાજપૂત નામનો કારીગર આવ્યો હતો અને તેને નોકરી પર રાખ્યો હતો.

દરમિયાન ૭ સપ્ટેમ્બરના રોજ ખાતાના મહિલા મેનેજર પૂજા રામાવતે તેને સરીન મશીનમાં સાઈન મારવા માટે ૫૩.૮૩ લાખની કિંમતના ૭૩૦ રફ હીરા આપ્યા હતા જો કે, સરાવે તે હીરા આપ્યા વિના ફરાર થઈ ગયો હતો. તપાસ કરતા તેની કોઈ માહિતી ના મળતા હીરા કારખાનાના માલિક બકુલભાઈએ વરાછા પોલીસમાં અરજી કરી હતી. તપાસ દરમિયાન ફરાર થયેલો મૂળ ભાવનગરનો મેહુલ કામળીયા હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે એક ટીમ ભાવનગર રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતના કાપોદ્રા ગાયત્રીનગરમાં આવેલા હીરાના કારખાનામાં નોકરીએ જોડાયાના પાંચમા દિવસે જ યુવાન કારીગર કારખાનાના મેનેજરે આપેલા ૮.૫૦ લાખની કિંમતના રફ હીરાના પાંચ પેકેટ ચોરી અડધા કલાકમાં જ નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. ગત ૧૦મીના રોજ તેમના કારખાનામાં મૂળ પાટણના સાંતલપુરના ઝઝામનો વતની અને સુરતમાં કતારગામ પારસ શાક માર્કેટની સામે કુબેરનગર સોસાયટી મકાન નં.૨૮ માં રહેતો ૨૨ વર્ષીય મહેશ રણછોડભાઇ ચૌધરી લેસર ટીચીંગની નોકરીએ જોડાયો હતો.

(9:16 pm IST)