Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મહેસાણાના ચાણસ્‍મા હાઇવે ઉપર બે બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં યુવાનો ફંગોળાયાઃ 3ના મોતઃ 1 ગંભીરઃ બંને બાઇકનો કચ્‍ચરઘાણ

મહેસાણા: ચાણસ્માના ધિણોજ ગામ નજીક બે બાઇક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર સ્થિતીમાં 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મૃતકોનાં પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી.

ચાણસ્મા મહેસાણા હાઇવે પર ધિણોજ ગામ નજીક પેટ્રોલપંપ પાસે સાંજના સમયે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા બે બાઇક અથડાતા બંન્ને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બાઇક સવાર યુવાનો ફંગોળાયા હતા. જેમાં 3ને માથા સહિત શરીરનાં વિવિધ ભાગોમાં ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. 108 તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા તમામ યુવકોનાં પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત કઇ રીતે થયો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોનાં નામ

છનાભાઇ જોગાભાઇ રાઠોડ

આશિષ બળદેવભાઇ પટેલ

વિરલ પટેલ ચાણસ્મા

વિષ્ણુ રાઠોક (સારવાર હેઠળ)

(4:25 pm IST)