Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગાંધીજીએ ટી.વી. રેડિયો વિનાના યુગમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી આઝાદીની લડાઇમાં લોકોને જોતર્યાઃ ડો. કાકડીયા

આત્મનિર્ભર ભારત ગાંધી વિચારના સંદર્ભમાં વિષય પર વેબિનાર યોજાયો : ઇનોવેશન અનેરીસર્ચને વધારીને જ નંબર વન બની શકાય : નારાયણભાઇ માધુ

અમદાવાદ,તા. ૧૯: માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના પીઆઈબી-આરઓબી ગુજરાત એકમના વડા અપર મહાનિદેશક ડો. ધીરજ કાકડિયાએ કહ્યું કે, ગાંધીજીના વિચારોને કયારેય સમય સીમામાં બાંધી શકાય નહી. ગાંધીજીના વિચારો મોર્ડન ટેકનોલોજીથી અલગ હતા તેવું માનનારાઓએ સમજવું જોઇએ કે, સો વર્ષ પછી પણ તેમના વિચારો, સંદેશા, નિર્ણયો તેટલા જ આધુનિક છે.

ગુજરાત વિદ્યાપીઠ, પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, પત્ર સૂચના કાર્યાલય અમદાવાદ અને એસએસઆઈપી, રાષ્ટ્રીય સેવા યોજના એકમના સંયુકત ઉપક્રમે આજે 'આત્મનિર્ભર ભારત ગાંધી વિચારના સંદર્ભમાં' વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, રીસર્ચર અને મહાનુભાવો જોડાયા હતા.

ગાંધી વિચાર ઉપર પીએચડી કરનાર ડો. ધીરજ કાકડિયાએ આત્મનિર્ભર ભારત અંગે ગાંધીજીના વિચારો ઉપર ચર્ચા કરતા જણાવ્યું કે, ગાંધીજીના આત્મનિર્ભરતાના વિચારોમાં કયારેય તિરસ્કાર કે અવિશ્વાસની ભાવના ન હતી. તેઓ વિશ્વને સાથે લઇ ચાલવામાં માનતા હતા. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે અને દરેક વ્યકિત એકબીજાના વિચારોને જાણે, તેની સંસ્કૃતિને સમજે તેના હિમાયતી તેઓ હતા.

આત્મનિર્ભરતાને ત્રણ ભાગમાં વહેંચતા ડો. કાકડિયાએ વધુમાં કહ્યું કે, ગાંધીજી માસ પ્રોડકશન કરતા પ્રોડકશન બાય માસના હિમાયતી હતા. ગાંધીજી બેઝિક હ્યુમન નીડ્સને સંતોષવા માટેના ઉદ્યોગો, પ્રવૃતિ કરવાના હિમાયતી હતા તથા તેઓના વિચારોમાં ગામડું કેન્દ્રમાં હતું. તેથી જ તેઓ ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટની હિમાયત કરતા હતા.

ગાંધીજી કયારેય મશીનના વિરોધી ન હતા પરંતુ તેઓ માનતા હતા કે, મશીનમાં હ્યુમનફેસ હોવો જોઇએ. તેમના આવા વિચારોથી અનેક વિષમતા છતાં ગાંધીજીએ ટીવી, રેડિયો વિનાના યુગમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી આઝાદીની લડાઈમાં લોકોને જોતર્યા હતા.

વેબિનારના મુખ્ય વકતા સંયુકત કમિશ્નર  નારાયણભાઈ માધુએ જણાવ્યું કે, ભારત વર્ષોથી જ આત્મનિર્ભર હતુ તેથી વિશ્વભરના વેપારીઓ ભારત આવ્યા હતા. ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તકમાં કહ્યું છે બ્રિટિશર ભારત છોડી જશે ત્યારે આપણે આપણી ભાષા તથા આસપાસના સંસાધનોનો ઉપયોગ કરવાનો છે. સ્વદેશીભાષા, સ્વદેશી પહેરવેશ પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને મોર્ડન બનવું તે જ આત્મનિર્ભરતા છે. આપણે ઇનોવેશન રીસર્ચને વધારીને જ નંબર ૧ બની શકીશું. ગુજરાત સરકારની આત્મનિર્ભર ભારત બનવવા માટે વિદ્યાર્થીઓમાં સંશોધનને પ્રોત્સાહિત કરવામાં માટેની વિવિધ યોજનાની માહિતી આપવાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ ઇનોવેશનનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે સ્ટાર્ટઅપનું મહત્વ સમજાવતા કહ્યું કે, ભારતમાં ઓન્લી વન અને નંબર વન બનવાની ક્ષમતા છે પરંતુ તેના માટે નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

એસએસઆઈપી, ગુજરાત વિદ્યાપીઠના સંયોજક ડો. અજયભાઈ પરીખે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આત્મનિર્ભર માટે કરવામાં આવેલા કાર્યો અંગે વિસ્તારથી માહિતી આપી હતી.

રાષ્ટ્રીય સેવા યોજનાના સંયોજક ડો. અરૂણ ગાંધીએ આભર દર્શન કર્યુ હતું જયારે ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક ડો. નિરજ સીલાવટે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

(2:36 pm IST)