Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ફરારી કલાસ-૧ અધિકારીને કચ્છ પોલીસે ઝડપ્યા ત્યારે, 'ના-ઇ-હું-નહિ' કહી છટકવા કરેલા પ્રયાસો નિષ્ફળ

સ્થાનિક પોલીસને એસીબી અભિયાનમાં જોડવાના કેશવકુમારના પ્રયાસોને વધુ એક મોટી સફળતા સાંપડીઃ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણ ઇજનેર ગીરજાશંકર સાધુ પાસે લાખોની બેનામી સંપતીઃ ૩ રહેઠાણો મળી આવ્યાઃ ફરજ મોકુફી સમયે પોરબંદર મુખ્ય મથક ધરાવતા આસીસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર જીતેન્દ્ર સોલંકીની બેનામી સંપતી અંગે એસીબી દ્વારા જાહેર અપીલ : અભિયાન પુરજોશમાં : સવા કરોડથી વધુ બેનામી સંપતીના આરોપસર ઝડપાયેલા રાજુલાના શિક્ષક ભાભલુભાઇ વરૂનો કબ્જો મેળવતી એસીબી

રાજકોટ, તા., ૧૯: પ્રજાને જે ખાતાઓ સાથે રોજબરોજનો પનારો છે તેવા વિવિધ સરકારી, અર્ધ સરકારી, ઓડા, સુડા, રૂડા, જાડા તથા આરટીઓ વિગેરેમાં કાયદેસરના કામોમાં પણ પૈસા આપ્યા વગર કામ ન થતા હોવા સાથે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ વિગેરેના ઉચ્ચ અધિકારીઓ વિગેરે પાસે અ-ધ-ધ બેનામી મિલ્કતો હોવાની સાચી-ખોટી ફરીયાદો સંદર્ભે એસીબી વડા કેશવકુમાર દ્વારા અમરેલી પંથકમાં એસપી નિર્લીપ્ત રાયની મદદથી બેનામી સંપતી શોધી કાઢવાના અભિયાનને મળેલ સફળતાથી પ્રેરાઇ વિવિધ જીલ્લા શહેર પોલીસને મોટા માથાઓની મિલ્કતો શોધવા તથા ફરારી બનેલ નાના-મોટા અધિકારીઓને શોધવામાં મદદ લેવાના પ્રયાસોને ફરી વખત સફળતા સાંપડી છે.

ગાંધીનગરના કલાસ વન એવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ગિરજાશંકર સાધુ પાસેથી સવા અડસઠ લાખથી વધુની અપ્રમાણસરની મિલ્કત અંગે ગુન્હો દાખલ થયા બાદ નાસતા ફરતા આરોપી ગિરજાશંકર સાધુને માંડવી (કચ્છ) પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યા હતા. નાસી છુટેલા આ ઉચ્ચ અધિકારી સામે સીઆરપીસી ૭૦ મુજબ વોરન્ટ પણ કાઢવામાં આવેલું.

માંડવી પીઆઇ એસીબીના સુચનથી ૩ રહેઠાણ ધરાવતા ઉકત અધિકારીને ઘેર પહોંચી તેની અટકાયત કરતા આરોપી દ્વારા પોતે ગિરજાશંકર સાધુ ન હોવાનો ધડાકો કર્યો હતો. પરંતુ એસીબીને જાણ કરતા તાત્કાલીક તેના ફોટા તથા વિડીયો મોકલવામાં આવતા ધરપકડ શકય બની હતી. આ અધિકારીની અન્ય મિલ્કત શોધવા પણ કાર્યવાહી ચાલી રહી છે.

છોટા ઉદેપુરના જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આસીસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબ ગુન્હો દાખલ કરી એસીબીના પત્રથી ઉકત આસીસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર જીતેન્દ્રકુમાર સોલંકીનું ફરજ મોકુફના સમયનું કેન્દ્ર પોરબંદર નક્કી કરવામાં આવેલ. ઉકત અધિકારી તથા અન્ય કોઇ સરકારી અધિકારી કર્મચારી પાસે અપ્રમાણસર તથા બેનામી મિલ્કત હોવાની માહીતી હોય તો વોટસએપ નંબર ૯૦૯૯૯ ૧૧૦પપ તથા ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર અથવા રૂબરૂ જાણ કરવા એસીબી વડા કેશવકુમારના સુચનથી અપીલ કરવામાં આવી છે.

દરમિયાન અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના શિક્ષક ભાભલુભાઇ વરૂ સામે અમરેલી એસપી નિર્લિપ્ત રાયની મદદદથી સવા કરોડથી વધુની અપ્રમાણસર રકમનો ગુન્હો ચાલુ માસની પહેલી તારીખે નોંધવામાં આવ્યો છે. ઉકત આરોપીનો અમરેલી ખાતેથી રાજુલા ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી આરોપીના ૭ દિવસના રિમાન્ડ અંગેની કાર્યવાહી એસીબી વડા કેશવકુમારના આદેશથી કરવામાં આવ્યાનું એસીબી સુત્રો જણાવે છે.

(11:44 am IST)