Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

MSMEને વધુ મોટી રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજયની સૌર ઉર્જા પોલિસીને લઇ મોટો નિર્ણય : ગ્રીન ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય

અમદાવાદ, તા.૧૯ : રાજ્ય સરકારે ગ્રીન–ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે એમએસએમઇ એકમોને પણ સૌર ઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત ઊર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કરી હતી. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, સૌર ઊર્જા ઉત્પાદનમાં એમએસએમઇ એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના ૫૦ ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, એમએસએમઇ એકમો મંજૂર થયેલા લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સીસ્ટમ સ્થાપિત કરી શકશે. જો એમએસએમઇ એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. ૧.૭૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મંદી એક હવા છે અને એક પણ એમએસએમઇ એકમ બંધ થયું નથી. રાજ્ય સરકારે સૌર ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ૨૦૧૫માં સોલાર પોલિસી જાહેર કરી હતી.

              જેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે એમએસએમઇ એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યું છે. ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે એમએસએમઇ એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ.૮ જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે ૩ રૂપિયા જેટલો એમએસએમઇ એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે. એટલે કે જે એમએસએમઇ એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે ૩.૮૦ રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે ૨.૭૫ જેટલો ફાયદો થશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ મુજબ, આ નિર્ણયની વિશેષતા એ છે કે એમએસએમઇ એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી–સૂર્યઊર્જા ખરીદી શકશે. જો એમએસએમઇ એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની વ્યવસ્થા ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌર ઊર્જા ઉત્પાદન કરીને ક્લિન–ગ્રીન એનર્જી મેળવી શકશે.

ઇલેકટ્રીસિટી ડયુટી અને ચાર્જ નિયમ મુજબ રહેશે ઉર્જામંત્રી દ્વારા જાહેરાત કરાઈ

અમદાવાદ, તા. ૧૯ : ઊર્જા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પહેલથી ગુજરાતમાં સૌરઊર્જા ઉત્પાદન કરતા એમએસએમઇ એકમો માટે વિન-વિન સિચ્યુએશન ઊભી થવાની નવી દિશા ખૂલી છે. ઉલ્લેખનીય છે કે, સૌર ઊર્જા ઉત્પાદન કરનારા આવા એમએસએમઇએકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલિંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે. તાજેતરમાં ગુજરાત સરકારે સૂર્ય ગુજરાત (સોલાર રૂફટોપ) યોજના જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઊર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યું છે. ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે, ત્યારે હવે ૩૩ લાખથી વધુ એમએસએમઇ એકમોને પણ ગ્રીન-ક્લિન સૌર ઊર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઊર્જા ઉત્પાદનથી ગુજરાત સૌર ઊર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.

(9:49 pm IST)