Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

૨૩ હજારની લેવડ-દેવડમાં યુવકની ઘાતકી હત્યા કરાઈ

વાઘોડિયાના માડોધર પંથકનો ચકચારી કિસ્સો : ગુમ થયા આઠ દિવસ બાદ યુવાનની લાશ મળી : પોલીસે હત્યા કરનારા આરોપી ગૌરવ તાલવિયાની કરેલ ધરપકડ

અમદાવાદ, તા.૧૯ વડોદરામાં આઠ દિવસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલા વાઘોડિયા તાલુકાના માડોધર ગામના યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ આજે ગામ પાસથી પસાર થતી માઇનોર કેનાલ પાસેથી ઝાડીમાંથી મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. માત્ર રૂ.૨૩ હજાર રૂપિયાની લેતી-દેતીમાં યુવાનની હત્યા કરનાર આરોપી ગૌરવ તાલવિયાની ધરપકડ કરીને પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. આ બનાવને લઇ પંથકના લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધર ગામમાં રહેતો વિજય મણીલાલ વણકર(ઉ.વ.૨૧) તા.૧૧ સપ્ટેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી.

                પરંતુ, મળી ન આવતા પરિવારે વાઘોડિયા પોલીસ મથકમાં વિજય ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલા વિજયની આવેલી અરજીના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. પરંતુ, પોલીસને પણ વિજયની કોઇ ભાળ મળી ન હતી. દરમ્યાન બુધવારે બપોરના સમયે માડોધર ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલ પાસે ઝાડીમાંથી મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. માઇનોર કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ગુમ થયેલા વિજયના પરિવારજનો સહિત ગામ લોકો કેનાલ પાસે આવી પહોંચ્યા હતા. મોડી સાંજે પરિવારજનોએ મૃતદેહ વિજયનો હોવાનું જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ગામમાં જ રહેતા ગૌરવ તાલવિયાએ વિજયની કરીને લાશ કેનાલમાં નાંખી દીધી હોવાનું તપાસમાં ખુલ્યુ હતું.

                ફરાસખાનનાનો ધંધો કરતા ગૌરવ તાલવિયાએ વિજયને ૨૩ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જો કે, વારંવાર ૨૩ હજાર રૂપિયા માંગવા છતાં વિજયે પરત ન કરતા તા.૧૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે ગૌરવે વિજયને કેનાલ પાસે બોલાવ્યો હતો. આ સમયે બંને બોલાચાલી થઇ હતી અને આવેશમાં આવીને ગૌરવે વિજયના માથામાં લાકડી મારી દીધી હતી અને ત્યારબાદ કપડા વડે ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને કેનાલ પાસેની ઝાડીમાં ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભગવતી રાઠોડે જણાવ્યું હતું કે, યુવાનની હત્યા કરીને કેનાલ પાસે લાશ ફેંકી દેવામાં આવી હતી. જેમાં હત્યા કરનાર માણોદર ગામના ગૌરવ તાલવિયાની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનાવથી ચકચાર મચી ગઈ હતી.

(8:59 pm IST)