Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ભરૂચમાં રસ્તાઓ પર ખાડા અને પશુ રાજ મામલે કોંગ્રેસ મેદાને : પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો

ચીફ ઓફીસરની ચેમ્બરની બહાર જ બેસી સુત્રોચ્ચાર: આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ:  શહેરના બિસ્માર માર્ગો, ગંદકી, રોડ પર રખડતા ઢોરોના કારણે લોકોને પડતી મુશ્કેલીના મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરી ચીફ ઓફીસરની ચેમ્બરની બહાર જ બેસી સુત્રોચ્ચાર કર્યા હતાં.

  શહેરના રસ્તાઓ પર ખાડાની સાથે પશુઓનું રાજ જોવા મળતું હોય છે. ચાલુ વર્ષે પણ ચોમાસામાં રસ્તાઓ ધોવાઇ જતાં શહેરીજનોમાં રોષ ભભુકી ઉઠયો છે. નગરપાલિકાનું તંત્ર ખાડા પુરાણ કરી ગાડુ ગબડાવી રહયું છે પણ તેનાથી લોકોની સમસ્યાનો હલ આવતો નથી. શહેરના ખખડધજ રસ્તાઓ તથા અન્ય સમસ્યાઓ બાબતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાલિકા કચેરી ખાતે હલ્લા બોલ કર્યું હતું. તેમણે પાલિકા સત્તાધીશો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભરૂચ શહેરની સમસ્યાઓ દૂર કરવામાં ભરૂચ નગર પાલિકા સદંતર નિષ્ફળ રહી છે.

રસ્તાઓ પર પડેલા ખાડાઓ શહેરમાં ઉભરાતી ગટરોનું રસ્તા પર વહેતુ પાણી નગર પાલિકાની નિષ્ફળ કામગીરીનું પુરાવો આપે છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ સાત દિવસ ઉપરાંતથી પૂરના પાણીમાં ફસાયા હોવાથી તેમને કેશડોલ ચુકવવામાાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ શહેરના ૧૧૮૧ જેટલા નાગરિકોએ આ તમામ સમસ્યાને કારણે પાલિકામાં લેખીત આવેદન પણ પાઠવ્યું હતું છતાં પરિણામ શુન્ય આવતાં પાલિકા પ્રમુખના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી

(8:16 pm IST)