Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ધાનેરા : ફતેપુરાના બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત

અમદાવાદની સિવિલમાં સારવાર હેઠળ હતો : કોંગો ફિવરના શંકાસ્પદ કેસ બાદ આરોગ્ય વિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમની ગામમાં સર્વેની કામગીરી કરાઈ

અમદાવાદ, તા.૧૯ : ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના ૭ વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફીવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે.  શંકાસ્પદ બીમારીથી મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાળકના પરિવારજનોમાં ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. આરોગ્ય વિભાગે પણ ગામમાં દવાના છંટકાવ સહિતની કામગીરી આરંભી દીધી છે. બીજા ધોરણમાં ભણતા કપિલ પટેલ નામના બાળકનું શંકાસ્પદ બીમારીથી મોત થયું છે. તેનો શંકાસ્પદ કેસ જણાતા નમૂના પૂણે મોકલ્યા છે. ગામમાં આરોગ્યવિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમે પણ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી છે. ફતેપુરાના રમેશભાઇ પટેલના દીકરો કપિલ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૨ માં અભ્યાસ કરતો હતો. જો કે, ત્રણ દિવસ પહેલા આ બાળકને તાવ આવતા તેના પિતાએ ધાનેરાના બાળરોગના તબીબના ત્યાં સારવાર માટે લઈ ગયા હતા.

                    જો કે તાવના ઉતરતા બાળકના પિતાએ તેને ડીસાના તબીબ અને ત્યારબાદ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કપિલને લઈ ગયા હતા. ત્યાંના તબીબે પણ સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાની સલાહ આપી હતી. જેથી શહેરની સિવિલ હોસ્પિટલના તબીબોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ ગઇકાલે આ બાળકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. બાળકના મોતમાં પ્રાથમિક તપાસમાં કોંગો ફીવર હોવાનું જાણવા મળ્યું છે. જેથી બાળકના શરીરના નમૂના હાલ પૂણે ખાતેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. ધાનેરાના તાલુકા પ્રાથમિક અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃતક બાળકના પરિવારની આરોગ્ય તપાસ સાથે શાળાના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે વેટનરી તબીબ એન.કે.પટેલે જણાવ્યું હતું કે, ધાનેરા તાલુકામાં મોટાભાગના ખેતર કે ગામમાં શંકર ગાય દૂધના વ્યવસાય માટે રખાય છે. જો કે હાલ પશુ વિભાગના વેટનરી તબીબો સલામતીના ભાગરૂપે ડ્રેસ સાથે પશુના તબેલા પર દવાનો છંટકાવ કરી પશુમાં આ રોગ ના ફેલાય તે માટે પશુને પણ યોગ્ય સારવાર અપાઇ રહી છે. ધાનેરા તાલુકાના પશુ ચિકિત્સકએ જણાવ્યું હતું કે, આ ઇતરડી જીવાણુથી પશુને કોઇ નુકસાન થતું નથી. જ્યારે આ જીવાણુ મનુષ્યને કરડે તો આના ઝેરની અસર શરીરમાં ઝડપથી પ્રસરતી હોય છે અને આ રોગ ચેપી હોવાથી તેની અસર અન્ય લોકોને પણ થઇ જતી હોય છે. જેથી હાલ પશુ નજીક યોગ્ય દવા છાંટવી જરૂરી છે. કોંગો ફીવરના વધુ એક કેસને લઇ ભારે ચકચાર મચી ગઇ છે.

(8:04 pm IST)