Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કપડવંજમાં પેટ્રોલપંપ નજીક રસ્તો ઓળંગતા બાળકને પુરપાટ ઝડપે જતા બાઇકે હડફેટે લેતા ગંભીર ઇજાથી કમકમાટીભર્યું મોત

કપડવંજ: શહેરમાં મહંમદપુરા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ નજીક રોડ ક્રોસ કરી રહેલા એક બાળકને માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં બાઈકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે કપડવંજ તાલુકાના નવાગામ નજીક કાર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે મિત્રો ઘવાયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરીયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં આવેલ મહંમદપુરા વિસ્તારમાં રહેતાં જગદીશભાઈ બાબુભાઈ ખાંટનો પુત્ર શંકર ગત સોમવારના રોજ બપોરના સમયે તેમના ઘર નજીક આવેલ દાદા બાબુભાઈ દિપાભાઈ ખાંટની દુકાને ગયો હતો. દુકાનેથી બિસ્કીટ લઈ તે ચાલતો-ચાલતો ઘરે જતો હતો. દરમિયાન રોડ ક્રોસ કરતો હતો તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં યામાહા મોટર સાઈકલ નં. જીજે-૧૮, ડીસી-૨૭૯૫ ના ચાલકે અડફેટે લીધો હતો. બાઈકની ટક્કર વાગવાથી શંકરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આસપાસ એકત્રિત લોકોએ એમ્બ્યુલન્સ મારફતે શંકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં શંકરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બાબુભાઈ દિપાભાઈ ખાંટની ફરીયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે યામાહા મોટરસાઈકલના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)