Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા નજીક મહુડાનાં તળાવની પાળમાં ગાબડું પડતા સમગ્ર તંત્ર દોડતું થયું: 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

દાહોદ: જિલ્લાના ધાનપુર તાલુકાના ઉદલ મહુડાના તળાવની પાળમાં ગાબડું પડતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું છે. આ પંથકના છ જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. તળાવમાં ગાબડું જો વધી જાય તો છલોછલ તળાવના પાણી સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જવાની દહેશત પણ લોકોમાં ફેલાઇ છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉદલ મહુડાના તળાવના પાણીની ઓવરફ્લોની પાળ(અવેના)માં ગાબડું જણાતા  સ્થાનિક  ગ્રામજનોએ સ્થાનિક તંત્રને જાણ કરતા ધાનપુર મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં  અવેનામાં ગાબડું પડવાથી તેમજ પાણીનું જોર વધુ હોવાથી ગમેત્યારે  આ અવેના સહિત પાળ તૂટવાની સંભાવના જણાઇ હતી. જો આ તળાવની પાળ તૂટે તો ઉદલ મહુડા, ગળવેલ, અંદારપુરા, ટોકરવા, વડભેટ લખના, ગોઝિયા સહિતના ગામના નીચાણવાળા ગામોને અસર થાય તેમ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી આ ગામના લોકોને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

(5:43 pm IST)