Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગુજરાતના ૧૦૦ તાલુકાઓમાં ૩ ઇંચ સુધીનો વરસાદ

આગામી અઠવાડીયું અતિભારે વરસાદની આગાહી : ઉકાઇ ડેમની જળસપાટી ૩૪ર ફુટને પાર

વાપી, તા., ૧૯: રાજયભરમાં સટાસટી બોલાવ્યા બાદ મેઘરાજા નરમ પડયાનું જણાય છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયના માત્ર ૧૦૦ જેટલા તાલુકાઓમાં ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સ્થિતિમાં હવામાન ખાતાની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સર્જાતા આગામી અઠવાડીયામાં દ.ગુજરાતથી પ્રારંભ કરી રાજયના કેટલાક ભાગોમાં તેમજ સંઘપ્રદેશના દમણમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વરસાદના હળવા મુડ વચ્ચે પણ મહારાષ્ટ્રના અને મધ્યપ્રદેશના ભારે વરસાદને પગલે ત્યાંના હથનુર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવાનું ચાલુ રખાતા ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે.

સરકારી રૂલ લેવલ અનુસાર ૧૬ મી સપ્ટેમ્બરથી ઉકાઇ ડેમની જળસપાટીનું રૂલ લેવલ ૩૪૦ ફુટથી વધારી ૩૪પ ફુટ કરાયું છે એટલે હવે ૩૪પ ફુટ સુધી પાણીનો સંગ્રહ થઇ શકશે. હાલમાં જ આ સપાટીએ ૩૪ર ફુટનો આંક વટાવ્યો છે.

અને હજુ ઉકાઇ ડેમમાં નવા પાણીની આવક ચાલુ જ છે. આ સ્થિતિમાં ઉકાઇ ડેમની સપાટી ૩૪પ ફુટ જાળવી અને ત્યાર બાદ જ વધુ પાણી છોડવુ એ વહીવટી તંત્રનો નિર્ણય કયાંક સુરત માટે જોખમી તો નહી બની રહેને?

ભુતકાળમાં ઉકાઇ ડેમમાંથી છોડાયેલા મોટી માત્રામાં છોડાયેલા પાણીને પગલે જ વ્યાપક તબાહી જોવા મળી હતી અને વિનાશક પુરનો સામનો પણ કરવો પડયો હતો. એવું કહેવાય છે કે ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૦ ફુટની સપાટીએ પણ સિંચાઇ સહીતના તમામ હેતુઓ સાચવી શકે છે ત્યારે આ સ્થિતિમાં રૂલ લેવલ અનુસાર ૩૪પ ફુટની સપાટી જાળવવાની જીદ છે કે જરૂરીયાત.

ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૪ર.૪૮ ફુટ પહોંચી છે. ડેમમાં ૯૭,૯પ૧ પાણીના ઇન્ફલો સામે ડેમમાંથી ૮૦,૪૯૦ કયુસેક પાણી છોડાઇ રહયું છે અને જેને પગલે કોઝવેની જળસપાટી ફરી સતત વધી રહી છે.

આજે સવારે ૮ કલાકે કોઝવેની જળસપાટી સતત વધીને ૭.૯ર મીટરે પહોંચી છે. એમા પણ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીએ વહીવટીતંત્રની ઉંઘ ઉડાડી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા. સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડોડીયાપાડા ૧પ મી.મી. ગરૂડેશ્વર ૩૩ મી.મી. નાંદોદ ૩૧ મી.મી. અને તિલકવાડા ૪૧ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૧૬ મી.મી. ઉચ્છલ ૩૧ મી.મી. વાલોળ અને વ્યારા ૧૪-૧૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં કામરેજ ૧૮ મી.મી. મહુવા ર૭ મી.મી. માંગરોળ ર૯ મી.મી. અને ઉમરપાડા ૧૯ મી.મી. તો વલસાડ જીલ્લાના તાલુકાઓમાં પારડી ૯ મી.મી. ઉંમરગામ ૧૯ મી.મી. અને વલસાડ ૧૭ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહુવા ૧૩ મી.મી. નોંધનીય વરસાદ નોંધાયેલ છે.

જયારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ર૪ મી.મી. ગણદેવી અને ખરેગામ ૧૪-૧૪ મી.મી. જલાલપોર અને નવસારી ર૦-ર૦ મી.મી. તો વાસંદા ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પુર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં તો અહી આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ રપ મી.મી. બોરસદ ૧૮ મી.મી. અને પેટલાદ ૧પ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં વડોદરા ૧૪ મી.મી. અને ડભોઇ ૪પ મી.મી. તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં હાલોલ ૧૭ મી.મી. અને જાંબુઘોડા ૧૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૧૯ મી.મી. છોટા ઉદેપુર ૩૭ મી.મી. જેતપુર પાવી ર૪ મી.મી. નસવાડી ૩૮ મી.મી. સંખેડા ૧૯ મી.મી. અને કબાટ પ૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાત વિસ્તારમાં મુખ્યત્વે મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં જોટાણા ર૩ મી.મી. મહેસાણા રર મી.મી.  અને ઉંઝા ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે. આ સિવાય અન્ય વિસ્તાર મોટા ભાગે કોરોધાકડ રહેવા પામ્યો છે.

(3:32 pm IST)