Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

નોકરી આપનાર અને ઇચ્છનાર બન્ને એક મંચ પરઃ ભરતી મેળામાં ૩પ૦૦૦ ભરતીનો લક્ષ્યાંક

રાજયવ્યાપી રોજગાર પખવાડિયાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર તા. ૧૯: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રમ અને રોજગાર વિભાગ આયોજીત રાજયવ્યાપી રોજગાર ભરતીમેળા પખવાડિયાનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર રોજગાર નિર્માણની બાબતને ટોચ અગ્રતા આપે છે. શ્રમ અને રોજગાર વિભાગના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ૩પ૦૦૦ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવાનો છે તેમ આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રાએ તેઓના સ્વાગત પ્રવચનમાં રાજયના તમામ જીલ્લાઓમાં ૧૯ સપ્ટેમ્બરથી પ ઓકટોબર ર૯૧૯ દરમ્યાન યોજવામાં આવનાર ભરતીમેળા અંગેની માહિતી આપી.

શ્રી મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, ''આ ભરતીમેળા થકી નોકરી પૂરી પાડનાર અને નોકરી શોધનાર બંને એક જ મંચ ઉપર આવશે. ભરતીમેળામાં ભાગ લેનાર કંપનીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે ચકાસીને ઉમેદવારોની પસંદગી કરી શકશે. અમને અપેક્ષા છે કે આ ભરતીમેળા થકી ૩પ,૦૦૦ ખાલી જગ્યાઓ પૂરી શકાશે.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ અંગે એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી.

આઇ.આઇ.ટી. ગાંધીનગર ખાતે ૦૪ માસની નિવાસી તાલીમમાં જોડાયેલ આઇ.ટી.આઇ.ના ૧૦ તાલીમાર્થીઓને આ પ્રસંગે પ્રશાસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં કે જેઓની પસંદગી આઇ.આઇ.ટી. ગાંધીનગર ખાતે તાલીમમાં આવેલા આઇ.ટી.આઇ.ના રપ૦ તાલીમાર્થીઓ પૈકી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રમ નિયામકની કચેરી હસ્તકની બે મોબાઇલ એપ્લીકેશન્સનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું. પ્રથમ એપ્લીકેશન SIMPLE (શ્રમ ઇન્સપેકશન મોબાઇલ પોર્ટલ ફોર લેબર એન્ડ એમ્પલોયર) મારફતે લેબર ઇન્સ્પેકશનની પ્રક્રિયામાં પારદર્શકતા આવશે અને ઇન્સ્પેકશનની રિમાર્કસ સ્થળ ઉપર જ અપલોડ કરી શકાશે. બીજી એપ્લીકેશન SACHET (સેફટી એન્ડ કોમ્પ્રીહેન્સીવ હેલ્થ એન્વાયર્મેન્ટ ટેસ્ટ) વડે ઔદ્યોગિક એકમોમાં કામ કરવાની સ્થિતિ અંગેનું મોનિટરીંગ થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડીયાને ર૦ આઇ.ટી.આઇ.માં અદ્યતન લેબ બનાવવા બદલ, કવેસ્ટ એલાયન્સને આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને એમ્પ્લોયેબીલીટી સ્કીલની તાલીમ આપવા બદલ તથા પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લી.ને કૌશલ્ય વધારવા માટે નોલેજ પાર્ટનર તરીકે હાથ ધરેલા સુંદર પ્રયાસો બદલ પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા.

હાલમાં આઇ.ટી.આઇ. ઈન્સ્ટ્રકટરની ૪૦ ટકા જગાઓ ખાલી છે. આ વર્ષે ર૩૬૭ ઇન્સ્ટ્રકટર્સની ભરતી કરવામાં આવશે.

(3:31 pm IST)