Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

નવા મોટર વ્હીકલ એકટ સામે દિલ્હીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હડતાલ નથી

માત્ર દિલ્હીમાં જ ખટારા બંધઃ અન્ય કોઇ રાજયો જોડાયા નથી

રાજકોટ તા. ૧૯ :.. નવા મોટર વ્હીકલ એકટમાં કરાયેલી ભારે દંડની જોગવાઇના વિરોધમાં ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા આજે ગુરૂવારના રોજ ટ્રકો અને બસોની હડતાલનું એલાન અપાયું છે. આ હડતાલમાં માત્ર દિલ્હીમાં જ હોવાનું અને સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત અન્ય કોઇ રાજયોમાં હડતાલ નહી હોવાનું કે જોડાયા નહી હોવાનું જાણવા મળ્યું હતું.

ઓલ ઇન્ડિયા મોટર વ્હિકલ એકટમાં કરાયેલા સુધારા પાછા ખેંચવા અને ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘન માટે લાગુ કરાયેલી ભારે દંડની રકમમાં સુધારો કરવાની માગ કરી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘન માટેના દંડમાં તોતિંગ વધારાના વિરોધમાં હડતાલની જાહેરાત કરતાં ખાનગી વાહન માલિકો, વન અને ઓટો રીક્ષા ડ્રાઇવરોને પણ હડતાલમાં જોડાવા અપીલ કરી હતી.

નોઇડા ટ્રાન્સપોર્ટ એસોસીએશને હડતાલને સમર્થન આપવાનું એલાન કર્યુ છે. દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનોના માલિક પહેલેથી નવા મોટર વ્હિકલ એકટનો વિરોધ કરી રહ્યાં છે. દિલ્હી અને એનસીઆરના ૪૯ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ હડતાલમાં જોડાવાની ઘોષણા કરી છે. હરિયાણામાં ટ્રક માલિકો અને ડ્રાઇવરોએ દિલ્હી સુધી વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી.

દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો.ના અગ્રણી શ્રી હસુભાઇ ભગદેએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, માત્ર દિલ્હીમાં જ હડતાલ  છે, સૌરષ્ટ્ર-ગુજરાત હડતાલમાં જોડાયા નથી, અન્ય રાજયોમાં પણ હડતાલ નથી, આ માત્ર ૧ દિ'ની ટોકન હડતાલ છે.

અત્રે એ નોંધનીય છે કે દિલ્હીમાં ખટારા માલીકો સવારે ૧૧ વાગ્યે શરૂ કરે અને સાંજે ૭ વાગ્યે તો બંધ થઇ જાય છે.

(11:42 am IST)