Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૧ ઓકટોબરથી નોંધણી

સરળ અને સુદૃઢ પ્રક્રિયા માટે નામ સાથે આધારકાર્ડની માહિતી જોડાશેઃ સરકારી દિવાળી આસપાસથી ખરીદી શરૂ કરશેઃ ગોડાઉનો પર સીસી ટીવી કેમેરા

ગાંધીનગર તા. ૧૯ :.. રાજય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નકકી થયું છે. જેના માટે આ વખતે આગોતરી વ્યવસ્થા વિચારાઇ હી છે. ખેડૂતોનું ઓન લાઇન રજીસ્ટ્રેશન તા. ૧ ઓકટોબરથી શરૂ થનાર હોવાનું કૃષિ વિભાગના વર્તુળો જણાવે છે. ખરીદી દિવાળી આસપાસથી શરૂ થશે. મગફળીની આવક દેશરાના અરસામાં બજારમાં શરૂ થશે. ગયા વખતના અનુભવના આધારે આ વખતે સરકાર વધુ સુદૃઢ વ્યવસ્થા ગોઠવવા માંગે છે. મગફળી વેચવા માટે આધાર કાર્ડ ફરજીયાત રહેશે. રાજય સરકારનું કોઇ બોનસ ન ઉમેરાય તો મગફળીનો ટેકાનો ભાવ મણના રૂ. ૧ હજાર આસપાસ રહેશે.

આ વર્ષે સારા વરસાદના કારણે પુષ્કળ મગફળી પાકે તેવો અંદાજ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા સરકારે ટેકાના ભાવની વ્યવસ્થા ગોઠવી છે. જેના માટે ઓન લાઇન નામ નોંધણી તા. ૧ ઓકટોબરથી શરૂ થશે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતા વધારવા માટે આધારકાર્ડને પ્રક્રિયા સાથે જોડી દેવામાં આવશે. તમામ જગ્યાએ બારદાન પણ એક સરખા રહેશે. ગોડાઉનો પર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે. નામ નોંધણી એકાદ મહીનો ચાલશે.

સરકારે ગયા વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરેલ. આ વખતે મગફળીની પુષ્કળ આવકની સંભાવનાને ધ્યાને રાખીને ખરીદી દિવાળી પહેલા શરૂ કરવા ખેડૂત અગ્રણીઓએ લાગણી વ્યકત કરતા સરકાર તે દિશામાં વિચારે તેવી શકયતા છે.

(11:41 am IST)