Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

એક કરોડની ખંડણી માંગવાના આરોપમાં અમદાવાદના ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ

યુવકનું ખોટું મરણ સર્ટીફીકેટ બનાવીને બીજા લગ્ન કર્યા: યુવકે કેસ લડવા વકીલ રાખી તો તેણીને ધમકી આપી ખંડણી માંગી હોવાનો આરોપ

 

અમદાવાદ : મહાનગરપાલિકાના કોંગ્રેસના ચાંદખેડા વિસ્તારના કોર્પોરેટર રાજશ્રી કેસરી વિરુદ્ધ એક મહિલા વકીલને ધમકી આપવા મુદ્દે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. રાજશ્રી કેસરી થોડા વર્ષો પહેલા લંડન ગયા હતા. અભ્યાસ સમયે તેમની મિત્રતા જયમનદીપસિંહ નામના યુવક સાથે થઇ હતી અને ત્યાં તેમણે તેની સાથે લગ્ન કર્યા હતા તેવું તેમનું કહેવું છે. રાજશ્રી કેસરીએ હવે જયમનદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેણે ખોટું મરણ સર્ટીફીકેટ બનાવીને બીજા લગ્ન કર્યા છે.

રાજશ્રી કેસરીની ફરિયાદ પછી જ્યારે જયમનદીપસિંહ લંડનથી દિલ્હી આવ્યો ત્યારે પોલીસે જયમનદીપ સિંહને પકડી લીધો હતો. તેથી તેને કેસ લડવા માટે એક મહિલા વકીલ રાખી હતી. જોકે, મહિલા વકીલે રાજશ્રી કેસરી વિરુદ્ધ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપીને એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

મહિલા વકીલ મિનોતી કુમારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક કેસની બાબતમાં હું અહીંયા આવી હતી ત્યારે મને મારી નાંખવાની ધમકી આપી છે અને કેસ છોડવાનું કહી રહ્યા છે.

સમગ્ર મામલે પોલીસે કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ કરી હતી. મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી અગાઉ પણ વિવાદમાં આવ્યા છે. 2018માં ભારતબંધના એલાન સમયે વિરોધ કરતા રાજશ્રી કેસરીએ એક મહિલા કોન્સ્ટેબલના હાથમાં બચકા ભર્યા હતા અને ત્યારે પણ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે જમીનપાત્ર ગુનો હોવાના કારણે પોલીસે તેમને છોડી દીધા હતા.

(11:09 pm IST)